(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ આવતીકાલથી શરૂ થઈ રહેલી અમેરિકી ફેડરલ રિઝર્વની બે દિવસીય નીતિવિષયક બેઠક પૂર્વે આજે લંડન ખાતે સોનામાં મિશ્ર વલણ રહેતાં હાજર ભાવમાં સાધારણ 0.2 ટકાનો સુધારો અને વાયદામાં 0.2 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો, જ્યારે ચાંદીના ભાવમાં ટકેલું વલણ રહ્યું હોવાના અહેવાલ હતા. આમ વિશ્વ બજારના મિશ્ર અહેવાલોને ધ્યાનમાં લેતા આજે સ્થાનિક ઝવેરી બજારમાં સપ્તાહના આરંભે મધ્યસત્ર દરમિયાન હાજરમાં પાંખાં કામકાજો વચ્ચે સોનાના ભાવમાં 10 ગ્રામદીઠ રૂ. 281થી 282નો અને ચાંદીના ભાવમાં કિલોદીઠ રૂ. 726નો ઘટાડો આવ્યો હતો.
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં મધ્યસત્ર દરમિયાન ખાસ કરીને .999 ટચ ચાંદીમાં વૈશ્વિક નિરુત્સાહી અહેવાલે સ્ટોકિસ્ટોની વેચવાલીનું દબાણ ઉપરાંત ઔદ્યોગિક વપરાશકારો તથા જ્વેલરી ઉત્પાદકોની લેવાલી છૂટીછવાઈ ખપપૂરતી રહેતાં વેરા રહિત ધોરણે ભાવ કિલોદીઠ રૂ. 726ના ઘટાડા સાથે રૂ. 89,250ના મથાળે રહ્યા હતા. વધુમાં આજે સોનામાં પણ સાવચેતીના અભિગમ વચ્ચે સ્ટોકિસ્ટો અને રોકાણકારોની નવી લેવાલીનો અભાવ રહ્યો હતો.
જોકે, જ્વેલરી ઉત્પાદકો અને રિટેલ સ્તરની ખપપૂરતી માગને ટેકે વેરા રહિત ધોરણે 995 ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ 10 ગ્રામદીઠ રૂ. 281 ઘટીને રૂ. 76,333 અને 999 ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. 282 ઘટીને રૂ. 76,640ના મથાળે રહ્યા હતા.
અમેરિકી ફેડરલ રિઝર્વ આગામી 17-18 ડિસેમ્બરની બે દિવસીય નીતિવિષયક બેઠકના અંતે વ્યાજદરમાં 25 બેસિસ પૉઈન્ટનો કાપ મૂકે તેવી પ્રબળ શક્યતા બજાર વર્તુળો જોઈ રહ્યા છે, પરંતુ હળવી નાણાનીતિનું વલણ વર્ષ 2025માં જાળવી રાખવામાં આવશે કે કેમ તે અંગેની સ્પષ્ટતાની રોકાણકારો રાહ જોઈ રહ્યા હોવાથી આજે લંડન ખાતે સત્રના આરંભે રોકાણકારોના સાવચેતીના વલણ વચ્ચે સોનામાં મિશ્ર વલણ જોવા મળ્યું હતું, જેમાં હાજર ભાવ આગલા બંધ સામે 0.2 ટકા વધીને આૈંસદીઠ 2653.86 ડૉલર અને વાયદામાં ભાવ 0.2 ટકા ઘટીને 2671.70 ડૉલર આસપાસ ક્વૉટ થઈ હ્હ્યા હતા.
તેમ જ હાજરમાં ચાંદીના ભાવ આગલા બંધની આૈંસદીઠ 30.59 ડૉલર આસપાસની સપાટીએ ટકેલા રહ્યા હતા.
એકંદરે અમેરિકા ખાતે ફુગાવાની લક્ષ્યાંક કરતાં ઊંચી સપાટી, અર્થતંત્રમાં મક્ક્મ વલણ અને નવાં ચૂંટાયેલા પ્રમુખ ડૉનલ્ડ ટ્રમ્પની નીતિ અંગેની અનિશ્ચિતતા વચ્ચે ફેડરલ રિઝર્વ આગામી વર્ષ 2025માં હળવી નાણાનીતિ કે તંગ નાણાનીતિ અપનાવશે તે અંગે રોકાણકારો અવઢવમાં મૂકાયા છે. આથી જ સીએમઈ ફેડ વૉચ ટૂલ પર ફેડરલ રિઝર્વ આગામી બેઠકમાં વ્યાજદરમાં 25 બેસિસ પૉઈન્ટનો કાપ મૂકે તેવી ધારણા ટ્રેડરો મૂકી રહ્યા છે, જ્યારે જાન્યુઆરી મહિનામાં રેટ કટ કરે તેવી માત્ર 18 ટકા ધારણા બજાર વર્તુળો મૂકી રહ્યા હોવાનું આઈજી માર્કેટના એનાલિસ્ટ યીપ જૂન રૉન્ગે જણાવ્યું હતું.
Also Read – આ કારણે સ્ટીલ ઉદ્યોગનો ક્ષમતા વપરાશ ચાર વર્ષના તળિયે: દેશના લઘુ ઉદ્યોગોને ભારે ફટકો
જોકે, સિટી બૅન્કે એક અહેવાલમાં જણાવ્યું છે કે અમેરિકા સહિત વૈશ્વિક વૃદ્ધિમાં મજબૂત સંકેત ન મળે તેમ જ ઈક્વિટી માર્કેટમાં નરમાઈતરફી વલણ રહેશે ત્યાં સુધી સોનામાં હેજરૂપી માગને મજબૂત ટેકે સોનામાં સુધારાજજોવા મળે તેવી શક્યતા નકારી ન શકાય. અમારા મતે વર્ષ 2025નાં ચોથા અને વર્ષ 2026ના પહેલા ત્રિમાસિકગાળા દરમિયાન સોનાના ભાવમાં તેજીનું વલણ જોવા મળે તેમ જણાય છે.
વધુમાં તાજેતરમાં ઈઝરાયલ દ્વારા ગાઝાપટ્ટી પર કરવામાં આવેલા હુમલામાં 53 પેલેસ્ટાઈનીનાં મોતના અહેવાલ ઉપરાંત ઈઝરાયલના લશ્કરે કરેલા હવાઈ હુમલાઓમાં પણ ડઝનબંધ આતંકીઓ મરાયા હોવાનું જણાવ્યું હતું. આમ મધ્ય પૂર્વના દેશોની રાજકીય-ભૌગોલિક અનિશ્ચિતતાઓને કારણે પણ સોનામાં સલામતી માટેની માગનો ટેકો મળી રહ્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.