આ કારણે જમશેદપુરની મહિલાઓના હાથમાં લાગી છે મહેંદી
જમશેદપુરઃ ચૂંટણી સમયે મતદાન તે આપણો હક અને ફરજ બન્ને છે, પરંતુ આપણે ઘણીવાર આ બન્ને ચૂકી જઈએ છીએ, ત્યારે મતદારોને જાગૃત કરવા માટે ચૂંટણી પંચ ઘણા નુસખાઓ અજમાવે છે. આ નુસખાના ભાગરૂપે ઝારખંડના જમશેદપુરમાં મહિલાઓના હાથમાં મહેંદી લાગી છે.
જમશેદપુરમાં આ વખતે ગ્રામીણ વિસ્તારોમાં ગીતો, મહેંદી અને રંગોળી દ્વારા મહિલા મતદારોને જાગૃત કરવામાં આવી રહી છે. આ માટે જિલ્લા વહીવટી તંત્રએ મહિલા મંડળોની મદદ લીધી છે. 122 ગામોમાં લગભગ 1 લાખ 37 હજાર મહિલા મતદારો છે, તેમને જાગૃત કરવા માટે તેમના હાથ પર મહેંદી લગાવવામાં આવી રહી છે અને શપથ લેવડાવવામાં આવી રહ્યા છે.
ઝારખંડના જમશેદપુરમાં 25 મેના રોજ મતદાન છે. જ્યારે વર્ષ 2019માં મતદાન થયું હતું ત્યારે ગ્રામીણ વિસ્તારોમાં મહિલા મતદારો ઘણા ઓછા પ્રમાણમાં મતદાન કરવા આવી હતી. નક્સલવાદીઓના ડર સહિતના કારણો આની માટે જવાબદાર હોવાનું માનવામાં આવે છે. આ કારણે ગ્રામ્ય વિસ્તારની મહિલાઓને જાગૃત કરવા અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે.
જિલ્લા પ્રશાસને મહિલા મંડળ દ્વારા દરેક ગામમાં મહિલાઓના હાથ પર મહેંદી લગાવવાનું કામ શરૂ કર્યું છે. ગામની મહિલા મિત્રો હાથ પર મહેંદી લગાવીને લખી રહી છે કે મતદાન કરવું જ જોઈએ.
જનજાગૃતિમાં વહીવટી તંત્રને સાથ આપતી મહિલાઓ જણાવે છે કે અમે હાથ પર મહેંદી લગાવીને ગામડે ગામડે જઈએ છીએ અને મહિલા મંડળના સહયોગથી મહિલાઓને મતદાન કરવાનું યાદ અપાવી રહ્યા છીએ. મતદાન આપણો અધિકાર છે. આ સાથે તેમના હાથ પર મહેંદી લગાવવામાં આવી રહી છે.
દેશના દરેક વિસ્તારમાં જાગૃત્તિના અલગઅલગ અભિયાન ચાલી રહ્યા છે ત્યારે આશા રાખીએ કે મોટા પ્રમાણમાં મતદાન થાય.