નવી દિલ્હીઃ પહેલાં એશિયા કપ, પછી વર્લ્ડકપ-2023 બંનેમાં ટીમ ઈન્ડિયાનો દબદબો કાયમ જોવા મળ્યો હતો. ટીમ ઈન્ડિયાએ એશિયા કપ તો પોતાના નામે કરી લીધો, પણ વર્લ્ડકપ-2023થી તેણે હાથ ધોવાનો વારો આવ્યો હતો. જોકે બંને ટૂર્નામેન્ટમાં એક વાત કોમન હતી કે ટીમ ઈન્ડિયાની પાકિસ્તાન સામે વનસાઈડ જિત.
એશિયા કપ અને વર્લ્ડકપ બંનેમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચે દર્શકોનું પારાવાર મનોરંજન કર્યું હતું. હવે ફરી એક વખત ક્રિકેટના મેદાન પર ભારત-પાકિસ્તાન વચ્ચેની ટક્કર જોવા મળશે અને આ ટક્કર માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરી દેવામાં આવી છે. બંને ટીમ આવતા મહિને અંડર-19 એશિયા કપમાં ટકરાશે.
બીસીસીઆઈ દ્વારા આજે અંડર-19 એશિયા કપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરી છે. યુએઈમાં 8મી ડિસેમ્બરથી શરૂ થઈ રહેલી 8 ટીમવાળી આ ટૂર્નામેન્ટ માટે 15 સદસ્યવાળી ટીમની જાહેરાત કરી છે. બીસીસીઆઈની જુનિયર ક્રિકેટ કમિટીએ પંજાબ ક્રિકેટ એસોસિએશનના 19 વર્ષીય ઓલરાઉન્ડર ઉદય સહરનને ટીમ ઈન્ડિયાનો કેપ્ટન નિમ્યો છે, જ્યારે વાઈસ કેપ્ટન તરીકે સૌમ્યકુમાર પાંડેની પસંદગી કરવામાં આવી છે.
આ ટીમમાં મુંબઈ, મહારાષ્ટ્ર, ઉત્તરપ્રદેશ, પંજાબ, કર્ણાટક, મધ્ય પ્રદેશ સહિત કુલ 12 સ્ટેટ એસોસિએશન સાથે સંકળાયેલા ખેલાડીઓને તક આપવામાં આવી છે.
ટૂર્નામેન્ટમાં ભારત સિવાય પાકિસ્તાન, શ્રીલંકા, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન, જાપાન, યુએઈ અને નેપાળની ટીમ પણ ભાગ લેશે. સેમિફાઈનલ અને ફાઈનલ છોડીને બાકીની બધી મેચ દુબઈની ICC એકેડેમીમાં રમાશે. જ્યારે સેમિફાઈનલ અને ફાઈનલ મેચ દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાશે. ભારત, પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને નેપાળ એક જ ગ્રુપમાં છે.
8મી ડિસેમ્બરમાં ભારત અને અફઘાનિસ્તાનની મેચથી ટૂર્નામેન્ટની શરૂઆત થશે, જ્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચે 10મી ડિસેમ્બરના મેચ રમાશે. ફાઈનલ મેચ 17મી ડિસેમ્બરના રમાશે. અત્યાર સુધી 9 વખત યોજાયેની આ ટુર્નામેન્ટમાં 8 વખત ટીમ ઈન્ડિયા ટાઈટલ પોતાના નામે કર્યું છે.
ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ-11
ઉદય સહરન (કેપ્ટન), આર્શિન કુલકર્ણી, આદર્શ સિંહ, રૂદ્ર મયુર પટેલ, સચિન ધાસ, પ્રિયાંશુ મોલિયા, મુશીર ખાન, અરવેલ્લી અવનીશ રાવ (વિકેટકિપર), સૌમ્ય કુમાર પાંડે (વાઈસ કેપ્ટન), મુરુગન અભિષેક, ઈન્નેષ મહાજન (વિકેટકિપર), ધનુષ ગૌડા, આરાધ્યા શુક્લા, રાજ લિંબાની, નમન તિવારી, રિઝર્વ-પ્રેમ દેવકર, અંશ ગોસાઈ, મોહમ્મદ અમાન.
આવું હશે ભારતનું શેડ્યુલ
8મી ડિસેમ્બરઃ ભારત વર્સીસ અફઘાનિસ્તાન
10મી ડિસેમ્બરઃ ભારત વર્સીસ પાકિસ્તાન
12મી ડિસેમ્બરઃ ભારત વર્સીસ નેપાળ