
નવી દિલ્હી : દેશમાં સટ્ટાબાજી પ્લેટફોર્મ “1XBet”સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં ઈડીએ મોટી કાર્યવાહી કરી છે. ઈડીએ ભૂતપૂર્વ ક્રિકેટરો, ફિલ્મ કલાકારો અને અન્ય લોકોની મિલકત જપ્ત કરી છે. ઈડીએ પૂર્વ ભારતીય ક્રિકેટર યુવરાજ સિંહ, અંકુશ હાજરા, રોબિન ઉથપ્પા, અભિનેતા સોનુ સૂદ, અભિનેત્રી ઉર્વશી રૌતેલા, નેહા શર્મા, તૃણમૂલ કોંગ્રેસના પૂર્વ સાંસદ અને અભિનેત્રી મીમી ચક્રવર્તી અને અંકુશ હાજરાની મિલકતો જપ્ત કરી છે.
ક્રિકેટરો અને બોલિવૂડ અભિનેત્રીઓની પૂછપરછ કરી
ઈડીએ આ કેસમાં અનેક ક્રિકેટરો અને બોલિવૂડ અભિનેત્રીઓની પૂછપરછ કરી છે. ત્યારબાદ મિલકતો જપ્ત કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. આ અગાઉ ઈડીએ આ જ કેસમાં ભૂતપૂર્વ ક્રિકેટર શિખર ધવન અને સુરેશ રૈનાની 11.14 કરોડ રૂપિયાની મિલકતો જપ્ત કરી હતી.
આ મહિનાની શરૂઆતમાં અભિનેત્રી નેહા શર્મા ઓનલાઈન સટ્ટાબાજી પ્લેટફોર્મ 1XBet સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં પૂછપરછ માટે ઈડી સમક્ષ હાજર થઈ હતી. તેમનું નિવેદન પીએમએલએ એકટની જોગવાઈઓ હેઠળ નોંધવામાં આવ્યું હતું. તે કેટલીક જાહેરાતો દ્વારા સટ્ટાબાજી પ્લેટફોર્મ સાથે જોડાયેલી હતી.
રૂપિયા 1,000 કરોડનો મની લોન્ડરિંગ કેસ
ઈડીએ જણાવ્યું હતું કે “1XBet”ભારતમાં મંજુરી વિના કાર્યરત હતું અને ભારતીય યુઝર્સને લક્ષ્ય બનાવવા માટે સોશિયલ મીડિયા, ઓનલાઈન વિડિઓઝ અને પ્રિન્ટ મીડિયા દ્વારા જાહેરાતોનો ઉપયોગ કરી રહ્યું હતું. ઈડીના જણાવ્યા મુજબ આ રૂપિયા 1,000 કરોડનો મની લોન્ડરિંગ કેસ છે.
આ પણ વાંચો…સો કરોડના સાયબર ફ્રોડમાં ઈડીએ પાંચ સામે ચાર્જશીટ દાખલ કરી



