યુનિફોર્મ ખોટી રીતે પહેર્યો હતો તે જોઈને ખબર પડી કે આ તો નકલી

બરેલી: છેલ્લા ઘણા સમયથી નકલી ઓફિસર બનીને ફરી રહેલા કેટલાક ઠગને પેસીલે પકડ્યા હતા જેમાં ગુજરાતના કિરણ પટેલની ઘટનાએ તો આખા પોલીસ બેડામાં તરખાટ મચાવી દીધો હતો. ત્યારે આવી જ એક ઘટનામાં ઉત્તર પ્રદેશના બરેલીમાં નકલી ફ્લાઇટ લેફ્ટનન્ટ બરેલી એરફોર્સ સ્ટેશનની બહારથી ઝડપાયો હતો. આરોપી જે રીતે યુનિફોર્મ પહેર્યો હતો તે જોઈને વાયુસેનાના અધિકારીઓએ તેને પૂછપરછ કરવા માટે બોલાવ્યો અને તેની તપાસ શરી કરી હતી. પોલીસે જ્યારે તેના દસ્તાવેજોની તપાસ કરી તો જાણવા મળ્યું કે 40 વર્ષીય આરોપીએ તેની પત્નીને કહ્યું હતું કે તે એક અધિકારી છે. જો કે તે કોઈ અધિકારી નહોતો તે તેની પત્ની સામે ખોટું બોલી રહ્યો હતો. હાલ પોલીસે કેસ નોંધીને તપાસ શરૂ કરી છે.
જ્યારે પોલીસે આરોપી ઈન્દ્ર કુમાર માલીની પૂછપરછ કરી તો તેણે જણાવ્યું કે તે જૂતા અને અન્ય વસ્તુઓ ખરીદવા આવ્યો હતો. અને તેણે તેની પત્નીને ખોટું કહ્યું હતું કે તે એક એરફોર્સ ઓફિસર છે. આ કેસમાં એસપી સિટી રાહુલ ભાટીએ જણાવ્યું હતું કે જ્યારે આરોપીઓ પાસે મળી આવેલા ઓળખ કાર્ડ અને અન્ય દસ્તાવેજોની તપાસ કરવામાં આવી ત્યારે તે નકલી હોવાનું જાણવા મળ્યું હતું. આ અંગે અન્ય સુરક્ષા એજન્સીઓને પણ માહિતી આપવામાં આવી છે. આરોપી પાસેથી ત્રણ આધાર કાર્ડ, ત્રણ એટીએમ કાર્ડ, એક નકલી આઈડી કાર્ડ, સેનાના લોગોવાળી એક કાર, બે મોબાઈલ ફોન અને પાંચ સિમ કાર્ડ મળી આવ્યા હતા.
પોલીસે જણાવ્યું હતું કે આરોપીએ ફ્લાઈટ લેફ્ટનન્ટનો યુનિફોર્મ ખોટી રીતે પહેર્યો હતો તે જોઈને એરફોર્સના જવાનો તરત જ સમજી ગયા કે અહી કોઈ ગફલત થઈ રહી છે. અને તેને પકડીને તેની પૂછપરછ કરતા ઘણી બાબતો ખોટી હોવાનું બહાર આવતા સેનાએ આરોપીને આગળની કાર્યવાહી માટે પોલીસને સોપી દીધો હતો. આપોરી મૂળ ઉત્તર પ્રદેશના બલિયા જિલ્લાનો છે. જો કે છેલ્લા ત્રણ વર્ષથી તે ઉત્તરાખંડના હલ્દવાનીમાં રહે છે.
બરેલી એરફોર્સ સ્ટેશનના આસિસ્ટન્ટ સિક્યુરિટી ઓફિસર યોગેન્દ્ર યાદવની ફરિયાદ પર પોલીસે આરોપી વિરુદ્ધ કેસ નોંધીને તપાસ શરૂ કરી છે. આરોપીઓ સામે વિવિધ કલમો હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે. આ અંગે ઇજ્જતનગર પોલીસ સ્ટેશને તપાસ હાથ ધરી છે. જો કે હજુ સુધી આરોપીના બીજા કોઈ ગુનાહિત બાબતો વિશે જાણવા મળ્યું નથી. પરંતુ આગળની તપાસ બાદ ઘટનાનો ઉકેલ આવે તેવી શક્યતા છે.