યુપીમાં બાર એસોસિયેશનના પ્રમુખે ભાજપના વિધાનસભ્યને મારી થપ્પડ, Viral Video
લખીમપુરઃ ઉત્તર પ્રદેશના લખીમપુર ખીરી જિલ્લામાં ભાજપના ધારાસભ્ય યોગેશ વર્મા સાથે જાહેરમાં મારામારી થઈ હતી. બાર એસોસિએશનના પ્રમુખ અવધેશ સિંહે ડઝનબંધ પોલીસકર્મીઓની હાજરીમાં ભાજપના વિધાનસભ્યને થપ્પડ મારી હતી. ત્યાર બાદ અવધેશ સિંહ સાથે હાજર અન્ય લોકોએ પણ વિધાનસભ્ય સાથે મારપીટ કરી હતી, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાઈરલ થયો હતો.
આ બનાવ વખત પોલીસે કોઈક રીતે બંને પક્ષોને અલગ કર્યા હતા. આ ઘટના સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે અને લોકોમાં ચર્ચાનો વિષય બની છે. આ અંગે વિધાનસભ્ય યોગેશ વર્માનું નિવેદન સામે આવ્યું છે.
લખીમપુરના ભાજપના વિધાનસભ્ય યોગેશ વર્માએ કહ્યું કે અર્બન કોઓપરેટિવ બેંકની ચૂંટણી છે, ભાજપના કાર્યકર્તાઓ ફોર્મ લેવા આવ્યા હતા. આ દરમિયાન તેની સાથે ખરાબ વર્તન કરવામાં આવ્યું હતું. પહેલા ટ્રેડ યુનિયનના નેતા રાજુ અગ્રવાલને માર મારવામાં આવ્યો હતો, ત્યાર પછી તેમનું ફોર્મ ફાડી નાખવામાં આવ્યું. માહિતી મળ્યા બાદ જ્યારે હું તેમને મળવા આવ્યો ત્યારે વકીલ અવધેશ સિંહે મારા પર પણ હાથ ઉપાડ્યો હતો.
આ પણ વાંચો : ઓડિશા પછી હરિયાણાની ચૂંટણીમાં ભાજપ માટે કોણ બન્યું ‘તારણહાર’?
તેમણે (અવધેશ સિંહ) મારા પર હાથ ઉપાડ્યો છે, આનું પરિણામ તેમણે ભોગવવા પડશે. વકીલ અવધેશ સિંહે આખી જિંદગી દલાલી સિવાય કંઈ નથી કર્યું. મારી સાથે બનેલી ઘટના બાદ વહીવટીતંત્ર સક્રિય બન્યું હતું. આ કેવા પ્રકારની નિષ્પક્ષ ચૂંટણી છે? અવધેશ અને તેના લોકો દ્વારા ભાજપના કાર્યકરોની સાથે અન્ય ઉમેદવારોના ફોર્મ પણ ફાડવામાં આવ્યા છે.
સામે, અવધેશ સિંહ વતી વિધાનસભ્ય મતદાર યાદી ફાડવાનો અને મનસ્વી રીતે ચૂંટણીને પ્રભાવિત કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. અવધેશ સિંહની પત્ની પુષ્પા સિંહે આરોપ લગાવ્યો કે હું ફોર્મ લેવા ગઈ ત્યારે વિધાનસભ્ય નશામાં હતા, તેમણે અભદ્ર વર્તન કર્યું, તેથી મેં પણ સામે જવાબ આપ્યો હતો. ત્યાર બાદ જ્યારે મેં પતિને ફોન કર્યો ત્યારે તે સ્થળ પર આવ્યા હતા અને વિધાનસભ્ય સાથે બોલાચાલી થઇ હતી.
પુષ્પા સિંહના જણાવ્યા અનુસાર વિધાનસભ્ય અને તેમના માણસોએ ફોર્મ લઇ લેવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસ પ્રશાસન સામે આ ઘટના બની હતી. વિધાનસભ્ય યોગેશ વર્મા મહિલાઓનું અપમાન કરી રહ્યા હતા. ભાજપ તેમની સામે કાર્યવાહી કરે. તેના કૃત્યોથી આખી વિધાનસભા ત્રસ્ત છે.
આ ઘટના પર, સપા સુપ્રીમો અખિલેશ યાદવે કહ્યું કે અન્યાય હિંસાને જન્મ આપે છે. સહકારી ચૂંટણીમાં વિધાનસભ્ય દ્વારા કરવામાં આવેલી છેડછાડથી નારાજ લોકો દ્વારા કરવામાં આવેલી શારીરિક પ્રવૃત્તિ (લડાઈ) ચર્ચાનો વિષય બની છે. અખિલેશે વધુમાં કહ્યું કે આવી પરિસ્થિતિઓનો ઉદભવ લોકશાહી માટે શરમજનક સ્થિતિ છે. કોઈ પણ રીતે ચૂંટણીમાં ધાંધલ ધમાલ એ ભાજપની રણનીતિ બની ગઈ છે, જે ખૂબ જ ખરાબ છે.