ઊંટ પર બેસીને સંસદમાં આવ્યા BAP સાંસદ, પછી…..
મોદી 3.0માં લોકસભાના સત્રની શરૂઆત થઇ ગઇ છે. મોટા ભાગના સાંસદો તેમની કારમાં બેસીને સંસદમાં આવતા જોવા મળ્યા હતા, પણ ભારતીય આદિવાસી પાર્ટી (BAP)ના એકમાત્ર સાંસદ રાજકુમાર રોત ઊંટ પર બેસી સંસદ આવવા રવાના થયા હતા. તેઓ મક્કમ હતા કે તેઓ ઊંટ પર બેસીને જ સંસદમાં પહોંચશે અને શપથ લેશે. જો કે દિલ્હી પોલીસે તેમને રસ્તામાં જ અટકાવી દીધા હતા.
રાજકુમાર રોત બાંસવાડાથી સાંસદ તરીકે ચૂંટાયા છે. માહિતી અનુસાર, જ્યારે પોલીસે તેમને અટકાવ્યો તેથી તેઓ વધુ દૂર જઈ શક્યા ન હતા. આ જોઈને તેઓ ગુસ્સે થઈ ગયા હતા અને પોલીસ અધિકારીઓ સાથે ઉગ્ર બોલાચાલી કરી હતી.
પોલીસે જણાવ્યું હતું કે સંસદ ભવન સંકુલમાં પ્રાણીઓને પ્રવેશ આપવામાં આવતો નથી. આદિવાસી નેતા રાજકુમાર રોત પરંપરાગત પોશાકમાં ઊંટ પર બેસીને સંસદ ભવન પરિસરમાં જવા માંગતા હતા. તેમણે કહ્યું હતું કે, જો પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી બળદ ગાડા પર સંસદમાં જઈ શકતા હતા તો તેમને ઉંટ પર જતા કેમ રોકવામાં આવી રહ્યા છે? તેમણે કહ્યું હતું કે તેઓ આ કાર્યવાહી સામે ફરિયાદ નોંધાવશે.
આ પણ વાંચો : NDA આજે લોકસભા Speaker માટે ઉમેદવારની જાહેરાત કરશે, અનેક સાંસદો શપથ લેશે
રાજસ્થાનમાં કોંગ્રેસે ભારત આદિવાસી પાર્ટી સાથે ગઠબંધન કર્યું હતું. રાજકુમાર રોતે બાંસવાડા સીટ પર મોટી જીત નોંધાવી છે. તેમણે ભાજપના મહેન્દ્રજીત સિંહને હરાવ્યા હતા.
રોતે ચૂંટણી પ્રચાર દરમિયાન પણ ઊંટ પર સવારી કરી હતી. આ પછી ચૂંટણી પંચે તેમને નોટિસ પાઠવી હતી, કારણ કે રોડશોના નિયમોમાં ચૂંટણી પ્રચારમાં પ્રાણીઓના પ્રદર્શન કેપ્રાણીઓના ઉપયોગને મંજૂરી નથી. એક દિવસ પહેલા સીકરના સાંસદ અમરા રામ ટ્રેક્ટરમાં સંસદ પહોંચ્યા હતા.