બાંકે બિહારી મંદિરમાં હવે વિદેશી ભક્તો પણ કરી શકશે છૂટા હાથે દાન; મળ્યું FCRA લાઇસન્સ
મથુરા: કેન્દ્રીય ગૃહ મંત્રાલયે વૃંદાવનના બાંકે બિહારી મંદિરને વિદેશી યોગદાન (નિયમન) અધિનિયમ, એટલે કે FCRA હેઠળ લાઇસન્સ આપ્યું છે, જેથી હવે આ મંદિર વિદેશમાંથી પણ ભંડોળ મેળવી શકશે. ગૃહ મંત્રાલયે યોગ્ય અરજી અને કોર્ટની મંજૂરી બાદ FCRA હેઠળ વિદેશી ભંડોળ મેળવવાનું લાઇસન્સ આપ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ લાઇસન્સ મંદિરને FCRA, 2010 હેઠળ આપવામાં આવ્યું છે.
આ પણ વાંચો: બાંકે બિહારીના દર્શનાર્થે જાઓ છો તો પહેલા આ કામ કરજો….
હવે વિદેશથી પણ મળશે દાન
ઉત્તર પ્રદેશના બાંકે બિહારી મંદિરમાં હવે વિદેશી ભક્તો છૂટા હાથે દાન અર્પણ કરી શકશે. અદાલતની મંજૂરી બાદ ગૃહ મંત્રાલય દ્વારા બાંકે બિહારી મંદિરને ફોરેન કોન્ટ્રીબ્યુશન રેગ્યુલેશન એક્ટ (FCRA) લાઇસન્સ આપવાની મંજૂરી આપી દીધી છે. ઉલ્લેખનીય છે લે કોઈપણ ‘વ્યક્તિ’ FCRA નોંધણી અને કેન્દ્ર સરકારની પરવાનગી સાથે ચોક્કસ સાંસ્કૃતિક, આર્થિક, શૈક્ષણિક, ધાર્મિક અથવા સામાજિક કાર્યક્રમ માટે વિદેશી યોગદાન મેળવી શકે છે.
ત્રણ અન્ય NGOને FCRA લાઇસન્સ આપવાની મંજૂરી
ગૃહ મંત્રાલયે શ્રી બાંકે બિહારી મહારાજ ઉપરાંત ઉત્તર પ્રદેશના ત્રણ અન્ય NGOને FCRA લાઇસન્સ આપવાની મંજૂરી આપી છે. સંસ્કૃતિ અને શિક્ષણ, સામાજિક અને આર્થિક ક્ષેત્રોમાં કાર્યરત અન્ય ત્રણ NGOમાં નેશનલ યુથ ફાઉન્ડેશન, એસોસિએશન ફોર ધ પ્રિવેન્શન ઓફ બ્લાઇન્ડનેસ અને ધ ગેલેક્સી એજ્યુકેશનલ એન્ડ સોશિયલ ડેવલપમેન્ટ ચેરિટેબલ ટ્રસ્ટનો સમાવેશ થાય છે.
શું છે FCRA?
FCRA (Foreign Contribution Regulation Act) એ એક કાયદો છે જે ભારતમાં વિદેશી યોગદાનના ઉપયોગ અને તેના સંચાલનને નિયંત્રિત કરે છે. તેનો સૌપ્રથમ અમલ 1976માં કટોકટી દરમિયાન કરવામાં આવ્યો હતો. તે સમયે એવો ડર હતો કે વિદેશી શક્તિઓ સ્વતંત્ર સંગઠનો દ્વારા ભારતના મામલામાં દખલગીરી કરી રહી છે. આ કાયદાનો હેતુ એ સુનિશ્ચિત કરવાનો હતો કે વિદેશી દાનનો ઉપયોગ ભારતની સાર્વભૌમત્વ અને લોકશાહી મૂલ્યો અનુસાર થાય.
ત્યારબાદ વર્ષ 1984માં આ કાયદામાં સંશોધન કરવામાં આવ્યું હતું અને તમામ NGO માટે ગૃહ મંત્રાલયમાં નોંધણી કરાવવી ફરજિયાત બનાવવામાં આવી હતી. ત્યારબાદ વર્ષ 2010માં દાનના દુરુપયોગને રોકવા માટે કાયદાને વધુ કડક બનાવવામાં આવ્યો હતો.