હવે એકાઉન્ટમાં મિનિમમ બેલેન્સ નહીં રાખનારાઓને નહીં લાગે કોઈ ચાર્જ, SBI સહિત અનેક બેંકોએ…

આપણામાંથી મોટાભાગના લોકોની સમસ્યા હોય છે કે બેંક એકાઉન્ટમાં પૈસા ના હોવાને કારણે બેંક તરફથી એવરેજ મિનિમમ બેલેન્સ ચાર્જ કાપી લેવામાં આવે છે. પરંતુ હવે સેવિંગ્સ એકાઉન્ટના કસ્ટમર્સને આની ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે એસબીઆઈ સહિત કેટલીક મોટી બેંકોએ હાલમાં જ મિનિમમ મંથલી બેલેન્સના રૂપમાં લગાવવામાં આવતા ચાર્જને સંપૂર્ણપણે નાબુદ કરવામાં આવ્યો છે. બીજા શબ્દોમાં કહીએ તો જો હવે તમારા ખાતામાં પૈસા નથી તો પણ બેંક દ્વારા આના માટે કોઈ પણ પ્રકારનો ચાર્જ નહીં વસૂલવામાં આવે. આવો જોઈએ કઈ કઈ બેંક દ્વારા મિનિમમ બેલેન્સ ચાર્જને નાબુદ કરવામાં આવ્યો છે.
બેંક ઓફ બરોડાઃ
આ યાદીમાં સૌથી પહેલું નામ આવે છે બેંક ઓફ બરોડાનું. બીઓબી દ્વારા તમામ સ્ટાન્ડર્ડ સેવિંગ્સ એકાઉન્ટ પર મિનિમમ બેલેન્સની શરત પૂરી નહીં કરવા પર લગાવવામાં આવતા ચાર્જને પહેલી જુલાઈ, 2025થી હટાવી દીધો છે. જોકે, પ્રીમિયમ સેવિંગ્સ એકાઉન્ટ સ્કીમ્સ પરથી આ ચાર્જ નથી હટાવવામાં આવ્યો.
ઈન્ડિયન બેંકઃ
ઈન્ડિયન બેંક દ્વારા પણ મિનિમમ બેલેન્સ ચાર્જ સંપૂર્ણપણે ખતમ કરવાની જાહેરાત કરવામાં આવી છે. તમામ પ્રકારના સેવિંગ્સ એકાઉન્ટ પર સાતમી જુલાઈ, 2025થી એવરેજ મિનિમમ બેલેન્સનો ચાર્જ પણ ખતમ કરવામાં આવ્યો છે.
કેનેરા બેંકઃ
કેનેરા બેંક દ્વારા આ જ વર્ષના મે મહિનામાં જ રેગ્યુલર સેવિંગ એકાઉન્ટ સહિત તમામ પ્રકારના સેવિંગ એકાઉન્ટ્સ પર લગાવવામાં આવતા મિનિમમ બેલેન્સ ચાર્જને સંપૂર્ણપણે નાબુદ કરવામાં આવ્યો છે. આ એકાઉન્ટમાં સેલેરી અને એનઆરઆઈ સેવિંગ્સ એકાઉન્ટનો પણ સમાવેશ થાય છે.
પીએનબીઃ
પંજાબ નેશનલ બેંક દ્વારા પણ પોતાના કસ્ટમર્સને રાહત આપતા તમામ પ્રકારના સેવિંગ્સ એકાઉન્ટ પર મિનિમમ એવપેજ બેલેન્સ ચાર્જને નાબુદ કરવાની જાહેરાત કરી છે.
સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાઃ
2020થી જ એવરેજ મિનિમમ બેલેન્સ ચાર્જ કરી રહેલી સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા પણ આ પ્રકારના ચાર્જને નાબુદ કરી દીધા છે. હવે સેવિંગ્સ એકાઉન્ટ પર મિનિમમ બેલેન્સની શરતો પૂરી ના કરનારાઓને કોઈ પણ પ્રકારનો ચાર્જ નહીં વસૂલવામાં આવે એવી જાહેરાત કરવામાં આવી છે.