મિનીમમ બેલેન્સના નામે બેંકો કરે છે અધધધ કમાણી, આંકડો જાણીને ચોંકી ઉઠશો…

આપણા બધા લોકોનું બેંક એકાઉન્ટ હશે અને બેંક એકાઉન્ટ ખોલાવવા માટે સરકારી કે પ્રાઈવેટ બેંકમાં ખાતું ખોલાવવા માટે મિનિમમ બેલેન્સ મેઈન્ટેઈન કરવું પડે છે. પરંતુ શું તમને ખબર છે કે બેંકો આ મિનિમમ બેલેન્સના કેટલી ધૂમ કમાણી કરે છે? નહીં ને? આ આંકડો સાંભળીને તમારી આંખો પહોળી ના થાય તો જ નવાઈ.
દેશમાં આવેલી મોટાભાગની બેંકો દ્વારા મિનિમમ બેલેન્સની મગજમારી દૂર કરવામાં આવી છે તો બીજી બાજું કેટલીક બેંક એવી પણ છે કે જેઓ મિનિમમ બેલેન્સ મેઈન્ટેન ના કરવા બદ્દલ ગ્રાહકોને દંડ ફટકારે છે. હાલમાં આઈસીઆઈસીઆઈ બેંકે મિનિમમ બેલેન્સની લિમિટ વધારીને 50,000 રૂપિયા કરી હતી. બાદમાં બેંક યુ-ટર્ન લઈને આ મર્યાદા ઘટાડીને 15,000 રૂપિયા કરી હતી.
વાત કરીએ છેલ્લાં પાંચ વર્ષની તો દેશની પબ્લિક સેક્ટરની બેંકોએ મિનીમમ બેલેન્સ ના રાખનારા ખાતાધારકો પાસેથી 9,000 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. આ વાતનો ખુલાસો ખુદ રાજ્યના નાણાં પ્રધાન પંકજ ચૌધરીએ સંસદમાં કર્યો હતો. નાણાંકીય વર્ષ 2020-21થી 2024-25 સુધી જાહેર ક્ષેત્રની બેંકોએ મિનીમમ બેલેન્સ ન રાખવા બદ્દલ 8,932.98 કરોડ રૂપિયાનો દંડ વસૂલ્યો હતો.
કઈ બેંકે કેટલા રૂપિયાની કમાણી કરી એની વાત કરીએ તો આ સમયગાળા દરમિયાન ઈન્ડિયન બેંકે સૌથી વધુ એટલે કે 1,828 કરોડ રૂપિયા, પંજાબ નેશનલ બેંકે 1,662 કરોડ રૂપિયા, બેંક ઓફ બરોડાએ 1,531 કરોડ રૂપિયા, કેનેરા બેંકે 1,212 કરોડ રૂપિયા અને બેંક ઓફ ઈન્ડિયાએ 809 કરોડ રૂપિયાનો દંડ વસૂલ્યો હતો.
બેંકમાં રાખવાના મિનીમમ બેલેન્સની વાત કરીએ તો આ એક એવી રકમ છે કે જે દર મહિને ખાતાધારકે પોતાના એકાઉન્ટમાં રાખવી પડે છે. જો આ રકમ ઓછી હોય તો બેંક ખાતાધારકને દંડ ફટકારે છે. શહેરી અને ગ્રામીણ વિસ્તારમાં આ દંડની રકમ અલગ અલગ હોઈ શકે છે.