નેશનલ

બેંગલૂરું મહાલક્ષ્મી હત્યા કેસમાં હત્યારાની લાશ ઝાડ પર લટકતી મળી

બેંગલુરુમાં મહાલક્ષ્મીના 59 ટુકડા કરીને તેની હત્યા કરનાર આરોપી હવે જીવિત નથી. ઓડિશામાંઆ શંકાસ્પદ આરોપી મુક્તિ રંજન રાયનો મૃતદેહ ઝાડ પર લટકતો મળી આવ્યો છે. પોલીસે જણાવ્યું કે આરોપીની ઓળખ થઈ ચૂકી છે. પરંતુ તે હત્યા કરીને આરોપી ફરાર થઈ ગયો હતો. બેંગલુરુ પોલીસ તેને શોધવામાં વ્યસ્ત હતી. બેંગલુરુના મહાલક્ષ્મી હત્યા કેસે મુંબઈની શ્રદ્ધા વાલકરની હત્યાની યાદ અપાવી દીધી હતી.

ઓરિસ્સાના ભદ્રક વિસ્તારમાં એક વ્યક્તિની લાશ ઝાડ પર લટકતી મળી આવતા સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી ગયો હતો. પોલીસ ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને તપાસ શરૂ કરી હતી. એ સમયે મૃતકની ઓળખ મુક્તિ રંજન રાય તરીકે થઇ હતી. તેની પાસેથી એક બેગ, નોટબુક અને સ્કૂટર મળી આવ્યું હતું. પોલીસે મૃતદેહનો કબજો મેળવીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો અને રિપોર્ટ બાદ લાશ પરિવારને સોંપી હતી.

સુસાઈડ નોટમાં મુક્તિ રંજને કબૂલાત કરી હતી કે તેણે બેંગ્લોરમાં મહાલક્ષ્મી નામની મહિલાની હત્યા કરી હતી. આ પછી તેણે શરીરના ટુકડા કરી દીધા અને રેફ્રિજરેટરમાં રાખ્યા હતા. મુક્તિના ભાઈની પૂછપરછ દરમિયાન બેંગ્લોર પોલીસને આ આત્મહત્યાની માહિતી મળી હતી. ત્યારબાદ બેંગ્લોર પોલીસે ઓરિસ્સા પોલીસનો સંપર્ક કર્યો હતો અને કેસની પુષ્ટિ કરી હતી. ઓરિસ્સા પોલીસના જણાવ્યા અનુસાર મુક્તિએ સવારે 5 થી 5:30ની વચ્ચે આત્મહત્યા કરી લીધી હતી. બેંગ્લોર પોલીસ તેનું લોકેશન ટ્રેક કરી રહી હતી અને તેને જલ્દી પકડવા જઈ રહી હતી.

મુક્તિ રંજનના મૃતદેહ પાસે એક સ્યુસાઇડ નોટ મળી આવી છે, જેમાં તેણે હત્યાની કબુલાત કરી છે અને કહ્યું છે કે તેણે આ ગુનો કરીને ભૂલ કરી છે. પોલીસે પણ મહાલક્ષ્મી હત્યા કેસમાં રાયને મુખ્ય આરોપી ગણાવ્યો હતો. મુક્તિ મહાલક્ષ્મી સાથે કામ કરતો હતો અને બન્ને વચ્ચે સહકર્મીઓ જેવો સંબંધ હતો, પરંતુ મહાલક્ષ્મીના અન્ય કોઈ સહકર્મી સાથેના સંબંધો તેને ગમતા ન હતા. મહાલક્ષ્મી છેલ્લે પહેલી સપ્ટેમ્બરના રોજ કામ પર ગઇ હતી. રંજને તેની ડેથ નોટમાં લખ્યું છે કે, મેં 3જી સપ્ટેમ્બરે મહાલક્ષ્મીની હત્યા કરી હતી. તે દિવસે હું મહાલક્ષ્મીના ઘરે ગયો હતો. અમારી કોઈ વાત પર દલીલ થઈ. ત્યારે મહાલક્ષ્મીએ મારા પર હુમલો કર્યો. મને આ ગમ્યું નહીં અને ગુસ્સામાં મેં તેને મારી નાખી. ત્યારપછી મેં તેના શરીરના 59 ટુકડા કરી દીધા અને ફ્રિજમાં મૂકી દીધા અને ત્યાંથી ભાગી ગયો. મેં રૂમને સાફ કરવાનો પણ પ્રયાસ કર્યો જેથી લોકોને દુર્ગંધ ન આવે. મને મહાલક્ષ્મીનું વર્તન બિલકુલ પસંદ નહોતું. મને પછીથી હત્યા માટે ચોક્કસપણે પસ્તાવો થયો. કારણ કે મેં ગુસ્સામાં જે પણ કર્યું તે ખોટું હતું. હું ડરી ગયો હતો તેથી હું અહીં આવી ગયો.

જોકે, પોલીસે પણ મહાલક્ષ્મીના કામના સ્થળે જઇ બધાની પૂછપરછ કરી હતી, જેમાં મુક્તિ છેલ્લા ઘણા દિવસથી આવ્યો નહીં હોવાનું જાણવા મળ્યું હતું અને તેની મહાલક્ષ્મી સાથેની દોસ્તીની પણ માહિતી મળી હતી. પોલીસે તેનો મોબાઇલ નંબર ટ્રેસ કરવાનું શરૂ કર્યું હતું. તેના પરિવારની પણ માહિતી એકઠી કરી હતી, જેમાં મુક્તિનો ભાઇ મુંબઇમાં રહેતો હોવાનું જાણવા મળતા પોલીસ તેના ઘરે પહોંચી હતી. ભાઇએ પૂછપરછમાં પોલીસને મુક્તિએ જ મહાલક્ષ્મીની હત્યા કરી હોવાનું જણાવી દીધું હતું. એટલે પોલીસે હવે તેનું પગેરુ મેળવી ધરપકડ જ કરવાની હતી, પણ તે પહેલા આરોપીએ આત્મહત્યા કરી લીધી હતી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button