ઢાકા: બાંગ્લાદેશના(Bangladesh)ભૂતપૂર્વ વડા પ્રધાન શેખ હસીનાની મુશ્કેલીમાં વધારો થઈ રહ્યો છે. જેમાં શેખ હસીના વિરુદ્ધ બાંગ્લાદેશમાં વધુ નવ ફરિયાદો દાખલ કરવામાં આવી છે. જેના પગલે તેમની વિરુદ્ધ નોંધાયેલી કેસની સંખ્યા વધીને 31 થઈ છે. શેખ હસીના વિરુદ્ધ નોંધાયેલી ફરિયાદમાં હત્યાના 26, નરસંહારના ચાર અને અપહરણના એક કેસનો સમાવેશ થાય છે.
ઇન્ટરનેશનલ ક્રિમિનલ ટ્રિબ્યુનલમાં ફરિયાદ દાખલ
મીડિયા અહેવાલ અનુસાર, સુપ્રીમ કોર્ટના વકીલ ગાઝી એમએચ તમિમએ હેફાઝત-એ-ના સંયુક્ત મહાસચિવ મુફ્તી હારુન ઇઝહર ચૌધરીની વતી બાંગ્લાદેશની ઇન્ટરનેશનલ ક્રિમિનલ ટ્રિબ્યુનલમાં ફરિયાદ દાખલ કરી છે.આ ફરિયાદમાં શેખ હસીના અને અન્ય 23 લોકો પર 5 મે, 2013ના રોજ મોતીઝીલના શાપલા છતર ખાતે હેફાઝત-એ-ઈસ્લામની રેલી દરમિયાન નરસંહારના ગુનાનો આરોપ મૂકવામાં આવ્યો છે.
શેખ હસીનાના પુત્ર-પુત્રી અને બહેન પણ સહ-આરોપી
મીડિયા રિપોર્ટ અનુસાર શેખ હસીનાના પુત્ર સજીબ વાજેદ જોય, પુત્રી સાયમા વાજેદ પુતુલ અને બહેન શેખ રેહાનાને પ્રથમ વાર હત્યાના કેસમાં સહ-આરોપી બનાવવામાં આવ્યા છે. હેફાઝત-એ-ઈસ્લામ કેસના મુખ્ય આરોપીઓમાં અવામી લીગના મહાસચિવ અને ભૂતપૂર્વ માર્ગ પરિવહન અને પુલ પ્રધાન ઉબેદ-ઉલ કાદિર, ભૂતપૂર્વ પ્રધાન રાશિદ ખાન મેનન, ઢાકા દક્ષિણ સિટી કોર્પોરેશનના ભૂતપૂર્વ મેયર શેખ ફઝલે નૂર તાપોશ, ભૂતપૂર્વ સલાહકાર શેખ ફઝલે નૂરનો સમાવેશ થાય છે.
શેખ હસીના અને અન્ય 23 લોકો પર ફરિયાદ
વડા પ્રધાનના ભૂતપૂર્વ સલમાન એફ. રહેમાન, વડા પ્રધાનના ભૂતપૂર્વ સુરક્ષા સલાહકાર તારિક અહેમદ સિદ્દીકી, ભૂતપૂર્વ પોલીસ મહાનિરીક્ષક એકેએમ શાહિદ-ઉલ હક, ‘એબીસીન્યૂઝ24’ના એડિટર સુભાષ સિંહ રોય અને ભૂતપૂર્વ આર્મી ચીફ અઝીઝ અહેમદનો સમાવેશ થાય છે. આ સિવાય કેટલાક અજાણ્યા વ્યક્તિઓ અને ઇલેક્ટ્રોનિક અને પ્રિન્ટ મીડિયાના કેટલાક નીતિ નિર્માતાઓને પણ આ કેસમાં આરોપી બનાવવામાં આવ્યા છે.
આ ફરિયાદ અનુસાર આરોપીઓના આદેશ પર 5 થી 6 મે, 2013ની વચ્ચે ઢાકા અને આસપાસના વિસ્તારો તથા ચિત્તાગોંગ, નારાયણગંજ અને કુમિલા સહિત વિવિધ જિલ્લાઓમાં હિફાઝતના કાર્યકરોની હત્યા કરવામાં આવી હતી.