નેશનલ

બાંગલાદેશમાં આજે સામાન્ય ચૂંટણીનું મતદાનમુખ્ય વિપક્ષ દ્વારા બહિષ્કાર

ઢાકા: બંગલાદેશમાં રવિવારે સામાન્ય ચૂંટણીનું મતદાન થવાનું છે અને વડાં પ્રધાન શેખ હસીના ચોથી મુદત માટે ચૂંટાઇ આવવાની શક્યતા છે.

દરમિયાન, બંગલાદેશના મુખ્ય વિપક્ષ બીએનપીએ ‘ગેરકાયદે સરકાર’ના વિરોધમાં શનિવારે સવારથી ૪૮ કલાકની રાષ્ટ્રવ્યાપી હડતાળ શરૂ કરી હતી અને હિંસાના છૂટાછવાયા બનાવ બન્યા હતા.
બંગલાદેશના મુખ્ય વિપક્ષ બીએનપી દ્વારા ચૂંટણીનો બહિષ્કાર કરાયો હોવાથી શેખ હસીના માટે ફરી વડાં પ્રધાન બનવાનો માર્ગ મોકળો થઇ ગયો છે.

બંગલાદેશના ચૂંટણી પંચે જાહેર કરેલા આંકડા મુજબ દેશમાં રવિવારે યોજાનારી સામાન્ય ચૂંટણી માટે કુલ ૧૧.૯૬ કરોડ મતદાર છે અને તેઓ માટે ૪૨,૦૦૦થી વધુ મતદાન કેન્દ્ર ઊભા કરાયા છે.
બંગલાદેશમાં ૨૭ રાજકીય પક્ષે ૧,૫૦૦થી વધુ ઉમેદવાર ચૂંટણીમાં ઊભા રાખ્યા છે અને ૪૩૬ ઉમેદવાર અપક્ષના છે.

ભારતના ત્રણ સહિત વિદેશના ૧૦૦ જેટલા નિરીક્ષક બંગલાદેશની બારમી સામાન્ય ચૂંટણીનું નિરીક્ષણ કરશે. સલામતી વ્યવસ્થા ઘણી કડક બનાવાઇ છે.

ચૂંટણી પંચે જણાવ્યું હતું કે બંગલાદેશમાં સામાન્ય ચૂંટણીનું મતદાન રવિવારે સવારે આઠ વાગ્યાથી સાંજના પાંચ વાગ્યા સુધી યોજાશે અને આઠમી જાન્યુઆરીની સવારથી ચૂંટણીના પરિણામ આવવાની શરૂઆત થવાની આશા છે.

બંગલાદેશના મુખ્ય વિપક્ષ બંગલાદેશ નેશનાલિસ્ટ પાર્ટીનાં નેતા અને ભૂતપૂર્વ વડાં પ્રધાન ખાલિદા ઝિયા (ઉં.વ. ૭૮) ભ્રષ્ટાચારના કેસમાં નજરકેદ હેઠળ હોવાથી તેમના પક્ષે મતદાનનો બહિષ્કાર કરવાની જાહેરાત કરી હતી.

શેખ હસીના (ઉં.વ. ૭૬)એ ચાલુ અઠવાડિયે રાષ્ટ્રજોગું પ્રવચન કર્યું હતું અને તેમાં વિપક્ષોને ચૂંટણી પ્રક્રિયામાં વિઘ્ન નહિ નાખવાની અપીલ કરી હતી.

બીએનપીએ શનિવારે સવારે છ વાગ્યાથી સોમવારના સવારના છ વાગ્યા સુધીની રાષ્ટ્રવ્યાપી હડતાળ શરૂ કરી હતી.

બંગલાદેશમાં ચૂંટણી લડતા ૨૭ રાજકીય પક્ષમાં જાતિયા પાર્ટીનો સમાવેશ થાય છે. (એજન્સી)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button