Bengaluru water crisis: WFH મળે તો સૌ પોતાને ગામ જઈ કામ કરેઃ ટેકનોસિટીમાં સમસ્યા વિકટ
બેંગલુરુઃ ટેકસિટી તરીકે ઓળખાતું બેંગલુરુ હાલમાં પાણીની ગંભીર કટોકટીનો સામનો કરી રહ્યું છે. જળસંકટના કારણે અહીંના લોકોનું જીવન મુશ્કેલ બની ગયું છે. બેંગલુરુના લોકો પાણીના દરેક ટીપા માટે સંઘર્ષ કરી રહ્યા છે. પાણીની અછતમાંથી છુટકારો મેળવવા માટે લોકો રિસાયકલીંગની પદ્ધતિઓ પણ અપનાવી રહ્યા છે. ઉપનગરીય બાબુસાપલ્યામાં રહેતા લોકો દૈનિક પાણી પુરવઠા માટે પાણીના ટેન્કર પર આધાર રાખે છે અને છેલ્લા કેટલાક મહિનામાં આના કારણે તેમનું જીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે.
ત્યારે અહીંના યંગસ્ટર વર્ક ફ્રોમ હોમ માગી રહ્યા છે. તેમના કહેવા અુનસાર શહેર આઈટી હબ તરીકે જાણીતું છે, આથી જો વર્ક ફ્રોમ હોમ એટલે કે ઘરેથી કામ કરવાની સુવિધા મળે અને જે લોકો અન્ય રાજયો-શહેરોમાંથી અહીં કામ કરવા આવ્યા છે, તેમને ફરજિયાતપણે વતન જવાનું કહેવામાં આવે તો શહેરમાં વસ્તી ઓછી થઈ જાય અને પાણીની ખપત ઓછી થતાં સ્થિતિ થોડી નિયંત્રણમાં આવી શકે.
બેંગલુરુમાં પાણીનો પુરવઠો મુખ્યત્વે કાવેરી નદી અને ભૂગર્ભ જળથી થાય છે. ગટરવ્યવસ્થાના શુદ્ધિકરણ પ્લાન્ટમાંથી રિસાયકલ કરેલ પાણીનો ઉપયોગ મોટાભાગના બિન-પીવાલાયક પાણી માટે થાય છે. છેલ્લા કેટલાક સમયથી વરસાદના અભાવે મુખ્ય સ્ત્રોત કામ આવી રહ્યા નથી. બેંગલુરુને દરરોજ 2,600-2,800 મિલિયન લિટર પાણીની જરૂર છે અને હાલમાં આ પુરવઠો જરૂરિયાત કરતાં અડધો છે. જેના કારણે શહેરના લોકોને પાણી માટે વલખા મારવા પડે છે.
આ સ્થિતિ માત્ર બેંગલુરુમાં જ ઊભી થઈ શકે તે જરૂરી નથી. શહેરોમાં અને ગામડાઓમાં આવી સ્થિતિ ધીમે ધીમે ઉદ્ભવી રહી છે. બેંગલુરુના અનુભવોથી દરેક સ્વરાજ સંસ્થા, રાજ્ય સરકારે અને જનતાએ પણ બોધપાઠ લેવાની જરૂર છે અને પાણીનું વ્યવસ્થાપન અને તેનો શિસ્તબદ્ધ ઉપયોગ કરી આવી સ્થિતિ જાળવવાની જરૂર છે.