બેંગલુરુ: કર્ણાટક સરકાર દ્વારા દુકાનોના પાટીયા પર 60% લખાણ કન્નડમાં હોવું જોઇએ એવો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યના તમામ દુકાનદારોએ પોતાના દુકાનો પર લાગેલા પાટિયા પર 28 ફેબ્રુઆરી 2024 સુધી આ નિયમ હેઠળ ફેરબદલ કરી લેવા એવી ગાઇડલાઇન કર્ણાટક સરકારે આપી છે. આ બાબતે જલ્દી જ એક જાહેરનામું પણ બહાર પાડવામાં આવશે. એમ કર્ણાટકના મુખ્ય પ્રધાન સિદ્ધારમૈયાએ કહ્યું હતું.
છેલ્લાં ઘણાં સમયથી કન્નડ ભાષાનું ગૌરવ વધે એ હેતુથી કેટલીક સંસ્થાઓ દ્વારા નામના પાટીયા, દુકાનોના બોર્ડ તથા જાહેરાતોનું લખાણ કન્નડ ભાષામાં હોવું જોઇએ એવી માંગણી કરવામાં આવી રહી હતી. આ માંગણીને લઇને છેલ્લાં ઘણાં દિવસોથી આંદોલન ચાલી રહ્યું છે. આ જ કારણસર સિદ્ધારમૈયા સરકારે આ નિર્ણય લીધો છે.
પાછલાં અઠવાડીયા બેંગલુરુ મહાનગરપાલિકા (BBMP) દ્વારા એક આદેશ આપવામાં આવ્યો હતો. આ આદેશ અંતર્ગત જે દુકાનદારો કન્નડ ભાષાનો ઉપયોગ નહીં કરે તેમના લાયસન્સ રદ કરવામાં આવશે એવી સૂચના આપી છે. આ નિયમ બાદ કન્નડ ભાષાનો પ્રચાર કરવા માંગતી સંસ્થાઓ એ તેમનું આંદોલન વધુ ઉગ્ર બનાવ્યું હતું. બેંગલુરુમાં જે દુકાનોના પાટીયા પર 60 ટકા લખાણ કન્નડ ભાષામાં નથી એ દુકાનોની આ સંસ્થાઓ દ્વારા તોડફોડ કરવામાં આવી હતી.
આ આંદોલન ઉગ્ર બનતા સિદ્ધારમૈયાએ સરકાર તરીકે પોતાની ભૂમીકા સ્પષ્ટ કરી છે. શાંતીથી થઇ રહેલ આંદોલન સામે સરકારનો કોઇ વિરોધ નથી. માત્ર જે લોકો કાયદો હાથમાં લેશે તેમના પર કાર્યવાહી થશે એમ સિદ્ધારમૈયાએ કહ્યું હતું. ગુરુવાર 28મી ડિસેમ્બર 2023ના રોજ તેમણે આ મુદ્દે એક ઉચ્ચસ્તરીય બેઠકનું આયોજન કર્યુ હતું.
કોઇએ કાયદો હાથમાં લેવો નહી, કાયદાનું પાલન કરો, જે લોકો કાયદો તોડશે તેમની સામે સખત કાર્યવાહી થશે એમ સિદ્ધારમૈયાએ કહ્યું હતું. તેમણે વધુમાં કહ્યું કે, ભાજપ સરકારના સમયે લાગૂ કરવામાં આવેલ કન્નડ ભાષા સર્વસમાવેશક વિકાસ કાયદામાં સુધારા કરવામાં આવશે. આ કાયદાની કલમ 17 (6) અંતર્ગત દુકાનના પાટીયા પર અડધું લખાણ કન્નડ અને અડધુ લખાણ અન્ય ભાષામાં હોવું જોઇએ એમ કહેવામાં આવ્યું છે. હવે આ કાયદામાં સુધારો કરી આ પ્રમાણ 60 ટકા કન્નડ ભાષા અને 40 ટકા અન્ય કોઇ ભાષા એમ કરવામાં આવસે એવું સિદ્ધારમૈયાએ જણાવ્યું હતું.
Taboola Feed