બેંગલુરુમાં રેકોર્ડતોડ વરસાદને કારણે તબાહી, સેંકડો વૃક્ષો ધરાશયી

બેંગલુરુમાં ભારે વરસાદે તબાહી મચાવી દીધી છે. ભારતની સિલિકોન વેલીમાં બેંગલુરુમાં છેલ્લા કેટલાક દિવસોથી પડી રહેલા ભારે વરસાદે જૂનમાં સૌથી વધુ વરસાદનો 133 વર્ષ જૂનો રેકોર્ડ તોડી નાખ્યો છે. શહેરમાં તોફાની પવન સાથે રવિવારે જ 100 મીમીથી વધુ વરસાદ નોંધાયો હતો.
ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આ અઠવાડિયે બેંગલુરુમાં વરસાદની સંભાવના છે કારણ કે દક્ષિણ પશ્ચિમ ચોમાસુ કર્ણાટકના ભાગોમાં આગળ વધી રહ્યું છે. રવિવારે ભારે વરસાદને કારણે શહેરના અનેક ભાગમાં પાણી ભરાઇ ગયા હતા, મેટ્રો સેવાઓ ખોરવાઇ ગઇ હતી. ભારે વરસાદને કારણે 58 જુદા જુદા વિસ્તારોમાં પાણી ભરાયા હતા, જેમાં 206 વૃક્ષો ધરાશાયી થયા હતા. રસ્તા પર ઉખડી ગયેલા વૃક્ષો અને પાણી ભરાવાને કારણે ઠેર ઠેર ટ્રાફિક જામ સર્જાયો હતો.
આઈટી સિટી બેંગલુરુમાં જૂન મહિનામાં એક જ દિવસમાં વરસાદનો 133 વર્ષ જૂનો રેકોર્ડ તૂટી ગયો છે . જૂન મહિનામાં બેંગલુરુમાં સરેરાશ વરસાદ 110.3 મીમી છે, પરંતુ છેલ્લા બે દિવસમાં જ 140.7 મીમી વરસાદ થયો છે.
@Bnglrweatherman એ 133 વર્ષનો રેકોર્ડ તોડવા અંગે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર માહિતી આપી છે. જોકે, ચોમાસાની વહેલી શરૂઆત કર્ણાટક માટે સારી માનવામાં આવે છે, કારણ કે આ વર્ષે કર્ણાટકના 236 માંથી 220 તાલુકાઓ દુષ્કાળનો ભોગ બન્યા હતા. એમ માનવામાં આવે છે કે વરસાદને કારણે આ વર્ષે કૃષિ મોસમ સારી રહેશે.
આગામી પાંચ-છ દિવસમાં હવામાન કેવું રહેશે તેની માહિતી હવામાન વિભાગે તાજેતરમાં આપી છે. IMDએ બેંગલુરુ માટે 5 જૂન સુધી યલો એલર્ટ જારી કર્યું છે, જેમાં વારંવાર વરસાદ અને ગાજવીજ સાથે વાદળછાયું આકાશ રહેવાની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત આઠમી અને નવમી જૂને પણ રાજયમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. IMDના જણાવ્યા અનુસાર મહત્તમ તાપમાન 30 ડિગ્રી સે. અને લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી સે.ની આસપાસ રહેવાની ધારણા છે.