નેશનલ

પ્રયાગરાજના મંદિરોમાં મીઠાઇ પર રોકઃ નારિયેળ, ફળ અર્પણ કરવા ભક્તોને અપીલ

પ્રયાગરાજઃ આંધ્ર પ્રદેશના તિરુપતિ મંદિરમાં ‘ભેળસેળયુક્ત’ લાડુ ચઢાવવાના વિવાદ વચ્ચે ઉત્તર પ્રદેશના પ્રયાગરાજના મંદિરોમાં પ્રસાદ તરીકે મીઠાઈઓ ચઢાવવા પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. ભક્તોને મંદિરોમાં નારિયેળ અને ફળ અર્પણ કરવા અપીલ કરવામાં આવી છે. પ્રયાગરાજના અનેક મહત્વના મંદિરો જેમાં અલોપ શંકરી દેવી, બડે હનુમાન અને મનકામેશ્વર સામેલ છે. આ મંદિરો તરફથી અપીલ કરતા જાહેરાત કરવામાં આવી છે.

મા લલિતા દેવી મંદિરના પૂજારી શિવ મૂરત મિશ્રાએ કહ્યું કે તાજેતરમાં અમારી મંદિર પ્રબંધન સમિતિની બેઠક યોજાઈ હતી. તિરુપતિ બાલાજી મંદિરના પ્રસાદમાં ભેળસેળની ઘટનાને ધ્યાનમાં રાખીને બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો હતો કે દેવી ભગવતીને ડ્રાયફ્રૂટ્સ, એલચીના દાણા, પતાસા અને નારિયેળ અર્પણ કરવા જોઇએ.
ઉપરાંત અમે તમામ ભક્તો અને સનાતન ધર્મના અનુયાયીઓને અપીલ કરીએ છીએ કે તેઓ પોતાના ઘરે બનાવેલ ઘીનો ઉપયોગ કરે અથવા ભેળસેળને ધ્યાનમાં રાખીને ફળો અને સૂકા મેવાનો ઉપયોગ કરે.

મંદિર પ્રબંધન દ્વારા કરવામાં આવેલા આ ફેરફારનો હેતુ પ્રસાદની શુદ્ધતા જાળવી રાખવાનો છે. આ ફેરફાર સાથે મંદિર મેનેજમેન્ટે એ પણ સુનિશ્ચિત કર્યું છે કે પ્રસાદની દુકાનોના માલિકોની આજીવિકાને અસર ન થાય. મંદિર મેનેજમેન્ટે દુકાનદારોને તેમની દુકાનોમાં ફક્ત તે જ પ્રસાદ વેચવાની સૂચના આપી છે જે મંદિરમાં ચઢાવવામાં આવે છે.
નોંધનીય છે કે આંધ્ર પ્રદેશના તિરુપતિ મંદિરના લાડુમાં માછલીનું તેલ અને પ્રાણીની ચરબી મિશ્રિત હોવાની પુષ્ટી થઈ હતી. નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડના રિપોર્ટ અનુસાર, તિરુપતિ મંદિરમાં તૈયાર કરાયેલા લાડુના પ્રસાદમાં પ્રાણીની ચરબી અને માછલીનું તેલ મિશ્રિત હોય છે. આ બધું તે ઘીમાં જોવા મળ્યું હતું જેમાંથી લાડુ તૈયાર કરવામાં આવે છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button