બાલ્ટીમોર દુર્ઘટના: ભારતીયો સાથે એલચી કચેરી સંપર્કમાં
નવી દિલ્હી: અમેરિકાના બાલ્ટીમોરમાં જે માલવાહક જહાજની પુલ સાથે અથડાવાની દુર્ઘટના થઇ હતી, તે જહાજ પરના ૨૦ ભારતીય સાથે ત્યાંની ભારતીય એલચી કચેરી સંપર્કમાં છે.
બાલ્ટીમોરની નદી પરના ચાર માર્ગવાળા ૨.૬ કિલોમીટર લાંબા ફ્રાન્સિસ સ્કોટ કી બ્રિજ સાથે ૯૮૪ ફૂટનું ‘દાલી’ નામનું જહાજ મંગળવારે રાતે અથડાયું હતું અને તેને લીધે પુલ તૂટી ગયો હતો અને અનેક વાહન નદીમાં પડ્યા હતા. આ દુર્ઘટનામાં છ જણ માર્યા ગયા હતા. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે જહાજ પરના ૨૧ કર્મચારીમાંના
૨૦ જણ ભારતીય છે. તેઓ બધા ખડેધડે અને કડેધડે છે. તેઓમાંના એક જણને થોડી ઇજા થઇ હતી અને ટાંકા આવ્યા હતા, પરંતુ તે સારવાર બાદ તુરત જહાજ પર કામે ચઢ્યો હતો.
અગાઉ, અમેરિકાના પ્રમુખ જૉ બાઇડન અને સ્થાનિક મેયર તેમ જ સત્તાવાળાઓએ જહાજ પરના ભારતીય કર્મચારીઓની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે આ લોકોએ તુરત ચેતવણી આપી ન હોત, તો અનેક લોકો જાન ગુમાવત. (એજન્સી)