અધધધ…આટલા કરોડની બજરંગબલીની મૂર્તિ ચોરાઇ…
સારણ: ભગવાનની મૂર્તિ એટલે લોકોના આસ્થાનું પ્રતિક જો મૂર્તિ સાથે કોઇપણ પ્રકારના કોઇ ચેડા કરે તો લોકો તેને મારી મારીને અધમૂઓ કરા નાખે, અને અહીંતો બજરંગબલીની આખી મૂર્તિ જ ચોરાઇ ગઇ. બિહારના છપરા જિલ્લાના ધાર્મિક નગર રેવિલગંજમાં ચોરોએ 40 કરોડ રૂપિયાની કિંમતની બજરંગબલીની અષ્ટધાતુ મૂર્તિની ચોરી કરી હતી. 42 કિલો વજન ધરાવતી આ મૂર્તિ 250 વર્ષ જૂની હતી. આ ઘટના ગત મંગળવારે રાત્રે બની હતી. પરંતુ ચોરીના 2 દિવસ બાદ પણ પોલીસ હજુ સુધી ચોરને શોધી નથી શકી.
આ અગાઉ ધાર્મિક શહેર રેવલગંજ વિસ્તારના ઘણા મંદિરોમાંથી મૂર્તિઓની ચોરી થઈ છે. પરંતુ મોટાભાદની તમામ ઘટનાઓમાં વહીવટીતંત્ર મૂર્તિઓ શોધવામાં નિષ્ફળ જ રહી છે. ફરી એકવાર ચોરોએ જાણે પોલીસ પ્રશાસનને પડકાર ફેંક્યો હોય એમ 40 કરોડની મૂર્તિની ચોરી કરી લીધી છે. મૂર્તિ ચોરીના વધતા જતા બનાવોથી વિસ્તારમાં ભયનો માહોલ છે. જિલ્લામાં ચોરોના વધી રહેલા આતંકથી લોકો પરેશાન છે અને વહીવટીતંત્ર પર ચોરો સામે કાર્યવાહી કરવામાં બેદરકારીનો આક્ષેપ પણ કરી રહ્યા છે.
મહંતના જણાવ્યા અનુસાર આ મઠમાં વર્ષો પહેલા ચોરીની બે ઘટનાઓ બની હતી, જેમાં ચોર પ્રભુ શ્રી રામ, લક્ષ્મણ અને સીતા માતાની મૂર્તિઓ લઈ ગયા હતા. પ્રથમ ચોરીમાં આ મૂર્તિ મઠના બગીચામાં જ જમીનમાં દાટી ગયેલી મળી આવી હતી, પરંતુ ફરી વાર જે મૂર્તિની ચોરી કરી હતી તે મળી નહોતી. છેલ્લા કેટલાક વર્ષોમાં ચોરો સારણ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં મંદિરો અને મઠોમાં સ્થાપિત પ્રાચીન અને કિંમતી મૂર્તિઓ પર નજર રાખી રહ્યા છે. અને ઘણા કિસ્સામાં હજુ સુધી મૂર્તિઓ પરત મળી નથી તેમજ પોલીસ પણ કોઇ એક્શન લઇ રહી નથી આથી ચોરોને પણ છૂટો દોર મળી ગયો છે.