નેશનલ

વિધાનસભા ચૂંટણીઃ છત્તીસગઢમાં શિવરાજ સિંહ ચૌહાણની ફોર્મ્યુલા અપનાવશે ભૂપેશ બઘેલ

છત્તીસગઢના મુખ્ય પ્રધાન ભૂપેશ બઘેલે રાજ્યમાં વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કાના મતદાન પહેલા મહિલાઓને લઇને મોટો દાવ લગાવ્યો છે. સીએમ બઘેલે છત્તીસગઢ ગૃહલક્ષ્મી યોજના શરૂ કરવાનું વચન આપ્યું છે. છત્તીસગઢમાં પહેલા તબક્કાનું મતદાન પતી ગયું છે, ત્યારે એવો સવાલ થવો સહજ છે કે ભૂપેશ બઘેલ શિવરાજ સિંહ ચૌહાણની ફોર્મ્યુલા કેમ લઇ આવ્યા?

છત્તીસગઢ વિધાનસભાની 90માંથી 70 બેઠકો માટે બીજા તબક્કામાં 17 નવેમ્બરે મતદાન થવાનું છે. બીજા તબક્કાના મતદાન પહેલા મુખ્યપ્રધાન ભૂપેશ બઘેલે મોટું પગલું ભર્યું છે. સીએમ બઘેલે ફરી પોતાની સરકાર બનાવવા માટે મહિલાઓ માટે ગૃહ લક્ષ્મી યોજના શરૂ કરવાની લોભામણી જાહેરાત કરી છે. સીએમ બઘેલે કહ્યું છે કે આ યોજના હેઠળ મહિલાઓને વાર્ષિક 15 હજાર રૂપિયા આપવામાં આવશે.


સીએમ બઘેલે દિવાળીના દિવસે આ જાહેરાત કરી હતી અને કહ્યું હતું કે આ માટે કોઈએ અરજી કરવાની રહેશે નહીં. કોંગ્રેસ તેને છત્તીસગઢની મહિલાઓ માટે દિવાળીની ભેટ ગણાવી રહી છે, પરંતુ આ જાહેરાતના સમયને લઈને સવાલો ઉભા થઈ રહ્યા છે. રાજ્યમાં પ્રથમ તબક્કામાં 20 વિધાનસભા બેઠકો માટે મતદાન થઈ ગયું છે, ત્યારે સીએમ ભૂપેશ બઘેલને મહિલાઓ માટે નવી યોજના શરૂ કરવાનું વચન કેમ આપવું પડ્યું?


ભૂપેશ બઘેલના આ પગલા પાછળ શું કારણ છે? આ અંગે ચર્ચા શરૂ થઈ છે. એક મુખ્ય કારણ તો એવું લાગી રહ્યું છે કે ભારતીય જનતા પાર્ટી (BJP)ના મેનિફેસ્ટો ‘મોદીની ગેરંટી’માં મહિલાઓ માટે આપવામાં આવેલું વચન છે. ભાજપે તેના ઢંઢેરામાં મહિલાઓને વાર્ષિક 12,000 રૂપિયા આપવાનું વચન આપ્યું છે.


ભાજપ પણ જનતા વચ્ચે મહિલા અનામતને તેની સૌથી મોટી ઉપલબ્ધિ માની રહી છે. મહિલા મતદારોને ભાજપના મૂક મતદારો પણ કહેવામાં આવે છે. આવી સ્થિતિમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે કોંગ્રેસને ડર હતો કે મહિલા મતદાતાઓ છટકીને ભાજપ સાથે જતા રહેશે અને તેથી જ સીએમ બઘેલને છત્તીસગઢ ગૃહ લક્ષ્મી યોજનાનું વચન આપવું પડ્યું.


છત્તીસગઢ વિધાનસભાની 20 બેઠકો માટે 7 નવેમ્બરે મતદાન થયું હતું. આ બેઠકો એ જ બસ્તર ક્ષેત્રની છે, જ્યાંથી સીએમ બઘેલ પોતે આવે છે. રાજનાંદગાંવ સીટ જેનું પ્રતિનિધિત્વ ભૂતપૂર્વ સીએમ ડો. રમણ સિંહ કરે છે તે પણ આ પ્રદેશમાં આવે છે. આ 20 બેઠકો પર કુલ 76.47 ટકા મતદાન થયું હતું. અગાઉના આંકડાઓની વાત કરીએ તો 2018 અને 2013માં આ 20 બેઠકો પર 75.3 ટકા મતદાન થયું હતું.


ગત ચૂંટણીની સરખામણીએ આ વખતે એક ટકા વધુ મતદાન થયું છે. વોટિંગ પેટર્ન અનુસાર, અગાઉની ચૂંટણીઓની સરખામણીમાં વધુ મતદાન પરિવર્તનની નિશાની માનવામાં આવે છે. જો કે, દરેક વખતે આ સાચું નથી. 2008 અને 2013ની છત્તીસગઢ ચૂંટણીના આંકડા આના સાક્ષી છે. 2013માં આ બેઠકો પર 75.3 ટકા મતદાન થયું હતું જે 2008માં 70.6 ટકા હતું, પરંતુ ભાજપ વધુ બેઠકો જીતીને સરકાર બનાવવામાં સફળ રહી હતી.


છત્તીસગઢ ગૃહલક્ષ્મી યોજના શરૂ કરવાનું કારણ એ પણ છે કે રાજ્યમાં મહિલા મતદારોની સંખ્યા વધારે છે. પ્રથમ તબક્કામાં જે 20 બેઠકો પર મતદાન થયું હતું તેમાંથી 16 બેઠકો એવી છે જ્યાં મહિલા મતદારોની સંખ્યા વધુ છે. બસ્તર પ્રદેશના બસ્તર, કવર્ધા, માનપુર, ભાનુપ્રતાપપુર, કાંકેર, કેશકલ, કોંડાગાંવ, નારાયણપુર, દંતેવાડા, બીજાપુર, કોન્ટા, રાજનાંદગાંવ, ખુજ્જી, પંડારિયા, જગદલપુર, ચિત્રકોટ વિધાનસભા ક્ષેત્રોમાં મહિલા મતદારોની સંખ્યા વધુ છે.

રાજ્યમાં પુરૂષો કરતાં મહિલા મતદારો વધુ છે. રાજ્યમાં કુલ 2 કરોડ 3 લાખ 60 હજાર 240 મતદારો છે. જેમાં પુરૂષ મતદારોની સંખ્યા 1 કરોડ 1 લાખ 20 હજાર 830 છે. મહિલા મતદારોની સંખ્યા 1 કરોડ 2 લાખ 39 હજાર 410 છે જે પુરુષો કરતા 1 લાખ 18 હજાર 580 વધુ છે. આવી સ્થિતિમાં દરેક પક્ષની નજર મહિલા મતદાતાઓને પોતાની તરફ આકર્ષવાની છે.

મધ્યપ્રદેશમાં, શિવરાજ સિંહ ચૌહાણની આગેવાની હેઠળની સરકારે આ વર્ષે માર્ચમાં મહિલાઓ માટે લાડલી યોજના શરૂ કરી હતી. આ યોજના હેઠળ સરકાર દ્વારા મહિલાઓને દર મહિને 1250 રૂપિયા આપવામાં આવે છે. મધ્યપ્રદેશ માટે જારી કરવામાં આવેલા રાજ્ય સરકારના ચૂંટણી ઢંઢેરામાં તેમણે વહાલી બહેનોને આવાસ આપવાનું પણ વચન આપ્યું છે. મધ્યપ્રદેશમાં આ યોજનાને મળેલો પ્રતિસાદ જોઈને ભાજપે છત્તીસગઢમાં મહિલાઓને દર મહિને એક હજાર રૂપિયા આપવાનું વચન આપ્યું હતું.


હવે બઘેલ સરકારે શિવરાજની ફોર્મ્યુલા પર વાર્ષિક રૂ. 15,000 આપવાનું વચન આપ્યું છે. કોંગ્રેસના આ પગલાની છત્તીસગઢમાં કેટલી અસર થશે તે તો 3 ડિસેમ્બરે જ ખબર પડશે, જ્યારે મતગણતરી થશે અને વિધાનસભાની 90 બેઠકોના પરિણામો જાહેર થશે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
કૉન્ટેક્ટ લેન્સ પહેરતા પહેલા આ જાણી લો સાવધાન, તમે પણ આ રીતે પાણી પીવો છો? આજે જ કરો બંધ નહીંતર… પૅરિસ ઑલિમ્પિક્સના ઍથ્લીટોના આ રહ્યા અનોખી ડિઝાઇનના ડ્રેસ… દાયકાઓ બાદ ગુરુપૂર્ણિમા પર બનશે મંગળની યુતિ, આ રાશિઓના જીવનમાં થશે મંગલ જ મંગલ…