છત્તીસગઢમાં 150 વર્ષ પહેલા પત્ની માટે બનાવેલું તળાવ લોકો માટે બન્યું જીવાદોરી…

દેશમાં પીવાના પાણી માટે ઉનાળામાં દર વર્ષે પોકાર પડતા હોય છે, જ્યારે ચોમાસામાં વરસાદી પાણીનો વ્યય થઈ જાય છે, પરંતુ પાણીના યોગ્ય વ્યવસ્થાપનને કારણે આજે પણ વર્ષોથી અનેક ગામડાઓ આબાદ થયા છે, જેના સંબંધમાં એક મહત્ત્વના કિસ્સાની વાત કરીએ.
છત્તીસગઢના દુર્ગ જિલ્લાના એક ગામમાં ૧૫૦ વર્ષ પહેલા એક જમીનદારે તેમની પત્ની માટે બનાવેલું તળાવ ક્યારેય સુકાયું નથી અને આજે પણ તે લોકો માટે જીવાદોરી સમાન છે. આ તળાવ લોકોની દૈનિક પાણીની જરૂરિયાતો પૂરી કરે છે અને સિંચાઇમાં મદદ કરે છે, એમ સ્થાનિક લોકોએ દાવો કર્યો છે.
દુર્ગ શહેરથી લગભગ ૨૫ કિમી દૂર કંદરકા ગામમાં આવેલું ‘બડે તાલાબ’ (મોટું તળાવ) સ્થાનિક રહેવાસીઓ અને આસપાસના છ ગામો માટે પાણીનો એક મહત્વપૂર્ણ સ્ત્રોત છે, જ્યારે ઉનાળાની ઋતુમાં આ વિસ્તારના અન્ય તળાવો અને જળ સંસાધનો સુકાઇ જાય છે. સ્થાનિક રહેવાસી જીવન લાલ જણાવે છે કે તેમના નાના ગુરમીન ગૌટિયા, જે તે સમયે જમીનદાર હતા તેમણે તેમની પત્ની માટે તળાવ બનાવ્યું હતું.
કંદરકામાં ૧૫૦ વર્ષ પહેલા પાણીની ભારે અછત હતી અને સ્થાનિક લોકોને પાણીની જરૂરિયાતો પૂરી કરવા માટે નજીકના ગામડાઓમાં જવું પડતું હતું. ગૌટિયાની પત્નીને નહાવા માટે બે કિમી દૂર બીજા ગામમાં જવું પડતું હતું. એક દિવસ જ્યારે તે સ્નાન કરી રહી હતી, ત્યારે કેટલાક ગામ લોકોએ તેની મજાક ઉડાવી અને કહ્યું કે જમીનદાર પણ તેના ગામમાં તેની પત્ની માટે પાણીની વ્યવસ્થા કરી શકતો નથી.
લાલે વધુમાં જણાવ્યું કે તેણી તરત જ પોતાના ગામ પાછી ફરી, તેના માથે કાદવ ચોંટેલો હતો. પોતાની પત્નીને આ હાલતમાં જોઇને જમીનદારે કારણ પૂછ્યું તો તેણીએ આખી ઘટના કહી જણાવી. આ ઘટનાથી જમીનદારની પત્ની એટલી દુઃખી થઇ ગઇ કે તેણીએ તેના ગામમાં તળાવ ન બને ત્યાં સુધી સ્નાન કરવાની મનાઇ ફરમાવી દીધી. આ રીતે પોતાની પત્નીની ઇચ્છા પૂરી કરવા માટે જમીનદારે એક તળાવ બનાવવાની યોજના બનાવી.
લાલે જણાવ્યું કે તળાવ ખોદવા માટે કુહાડી અને પાવડા સાથે બહારથી લગભગ ૧૦૦ મજૂરોને બોલાવવામાં આવ્યા હતા અને આ કામ પાંચ મહિના સુધી ચાલુ રહ્યું હતું. ત્યારથી આ તળાવ વિસ્તારના લગભગ અડધો ડઝન ગામો માટે પાણીનો એક નિરંતર સ્ત્રોત રહ્યું છે કારણ કે તે ક્યારેય સુકાતું નથી.
આપણ વાંચો : શરણાગતિઃ છત્તીસગઢમાં સાત નક્સલીનું આત્મસમર્પણ