ઓબેરોય જૂથ તરફથી આવ્યા ખરાબ સમાચાર માનદ અધ્યક્ષનું નિધન
નવી દિલ્હીઃ હોટેલ ઈન્ડસ્ટ્રીમાં મોટું નામ ગણાતા ઓબેરોય ગ્રુપ તરફથી એક ખરાબ સમાચાર સામે આવ્યા છે. ગ્રુપના માનદ અધ્યક્ષ પૃથ્વી રાજ સિંહ (P.R.S.) ઓબેરોયનું નિધન થયું છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ઓબેરોયે મંગળવારે 94 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા હતા. પૃથ્વી રાજ સિંહ ઓબેરોય હોટેલ્સના માનદ અધ્યક્ષ હતા. તેમને ‘બીકી’ તરીકે પણ ઓળખવામાં આવે છે. તેમણે 2022માં ઓબેરોય ગ્રુપની ફ્લેગશિપ કંપની EIH લિમિટેડના એક્ઝિક્યુટિવ ચેરમેન અને EIH એસોસિએટેડ હોટેલ્સ લિમિટેડના ચેરમેન તરીકેની પોતાની પોસ્ટ છોડી દીધી હતી.
પીઆરએસ ઓબેરોયના અંતિમ સંસ્કાર આજે સાંજે 4 વાગ્યે દિલ્હીના ભગવંતી ઓબેરોય ચેરીટેબલ ટ્રસ્ટમાં કરવામાં આવશે અને ઓબેરોય હોટલ અને કોર્પોરેટ ઓફિસમાં તેમના માટે પ્રાર્થનાનું આયોજન કરવામાં આવશે. પૃથ્વી રાજ સિંહ ઓબેરોય હોટલ ઉદ્યોગનો ચહેરો બદલવા માટે જાણીતા છે. ‘બીકી’નું શિક્ષણ ભારતમાં તેમજ યુનાઇટેડ કિંગડમ (યુકે) અને સ્વિટ્ઝર્લેન્ડમાં થયું હતું. મહત્વના શહેરોમાં અનેક લક્ઝરી હોટેલો ખોલીને આંતરરાષ્ટ્રીય લક્ઝરી પ્રવાસીઓ માટે ઓબેરોય હોટલોને નકશા પર મૂકવાનો શ્રેય તેમને જાય છે. 2008માં, તેમને દેશ પ્રત્યેની તેમની અસાધારણ સેવા માટે ભારતના બીજા સર્વોચ્ચ નાગરિક સન્માન પદ્મ વિભૂષણથી નવાજવામાં આવ્યા હતા. ડિસેમ્બર 2012 માં, ઇન્ટરનેશનલ લક્ઝરી ટ્રાવેલ માર્કેટ (ILTM) એ PRS ઓબેરોયને તેમના અસાધારણ નેતૃત્વ, દીર્ધદ્રષ્ટિ અને વિકાસમાં યોગદાનને વૈશ્વિક માન્યતા આપી લાઇફટાઇમ અચીવમેન્ટ એવોર્ડથી સન્માનિત કર્યા હતા.
ઓબેરોય ગ્રૂપ પરિવારના એક ઈમેલમાં વિક્રમ અને અર્જુન ઓબેરોયે કહ્યુ હતું કે,, “અત્યંત દુઃખ સાથે અમે અમારા પ્રિય નેતા P.R.S.ના નિધનની જાહેરાત કરીએ છીએ. ઓબેરોય, ચેરમેન એમેરિટસનું આજે શાંતિપૂર્ણ નિધન થયું છે. તેમના નિધનથી ઓબેરોય ગ્રૂપ અને ભારત અને વિદેશમાં હોસ્પિટાલિટી ઈન્ડસ્ટ્રીને મોટી ખોટ પડી છે. તેમણે કહ્યું હતું કે P.R.S. ઓબેરોય એક સ્વપ્નદ્રષ્ટા નેતા હતા જેમના અતૂટ સમર્પણ અને ઉત્કૃષ્ટતા માટેના જુસ્સાને કારણે જ ઓબેરોય ગ્રુપ અને તેની હોટલોને વૈશ્વિક સ્તરે શ્રેષ્ઠમાં ઓળખવામાં આવે છે.