ક્યારેક બાબા તો ક્યારેક શાકભાજીવાળા બનવા યુપી એસટીફ મેકઅપની પણ લે છે તાલીમ

આજકાલ ગુનેગારો હાઈટેક થઈ ગયા છે અને પોલીસથી બચવા માટે તેઓ નવા અખતરા અપનાવી રહ્યા છે. હવે તેઓ મોબાઈલ કોલ પણ કરતા નથી જેથી તેમને ટ્રેક ન કરી શકાય. તેઓ ઇન્ટરનેટ કોલિંગ કરે છે. વિદેશી નંબરોનો ઉપયોગ કરે છે. વિવિધ પ્રકારના ગેજેટ્સ રાખ છે, પરંતુ ભારતીય પોલીસ પણ તેમનાથી બે કદમ આગળ રહે છે અને તેમના સુધી પહોંચી જ જાય છે. આ માટે એક નુસખો હોય છે વેશપલટાનો. ઉત્તર પ્રદેશના સ્પેશિયલ ટાક્સ ફોર્સના અધિકારીઓને આ પ્રયોગ ગમી ગયો છે અને તેઓ તમને પણ ક્યારે કયા વેશમાં મળી જાય તે કહેવાય નહીં.
તેઓ ભીખારીથી માંડી શાકભાજીવાળા બને છે અને આ માટે મેક-અપ આર્ટિસ્ટ પાસેથી ખાસ તાલીમ પણ લે છે.
અહેવાલો અનુસાર, આ દિવસોમાં એસટીએફનું આગ્રા યુનિટ ફિલ્મી સ્ટાઈલમાં ગુનેગારોને પકડવામાં વ્યસ્ત છે. તાજેતરમાં વિજય નગર કોલોનીમાં નકલી દેશી ઘીનું કારખાનું ઝડપાયું હતું. આ ફેક્ટરીને શોધવા માટે ટાસ્ક ફોર્સે એ ભારે જહેમત ઉઠાવી હતી. કારણ કે, વિસ્તાર મોટો છે અને કોઈને કોઈ માહિતી નહોતી. આવી સ્થિતિમાં ફોર્સમાં તૈનાત એક ઇન્સ્પેક્ટર બાબાનું રૂપ ધારણ કરીને શેરી-ગલીએ ફરીને માહિતી એકત્ર કરી રહ્યા હતા.
એસટીએફ ઇન્સ્પેક્ટર બાબાના વેશમાં સેંકડો ઘરોમાં ગયા. કોઈની પાસેથી તેણે પીવા માટે પાણી માંગ્યું અને કોઈની પાસેથી ખાવાનું માંગ્યું. એક દિવસ ફરતો ફરતો તે ઘરે પહોંચ્યો જ્યાં નકલી દેશી ઘીનું કારખાનું ચાલતું હતું. બસ પછી બોલાવી ફોર્સને પાડ્યા દરોડા.
એસટીએફ આગ્રા યુનિટમાં તૈનાત પોલીસકર્મીઓએ મેકઅપ આર્ટિસ્ટ પાસેથી અલગ અલગ વેશ અનુસાર મેક અપ કરવા અન અસલી લાગવા ટ્રેનિંગ લીધી છે. દરેક વ્યક્તિના પોતપોતાના પોશાક હોય છે. પોતાનો વેશ ધારણ કરીને, તેઓ કોઈપણ સમુદાય અથવા જૂથમાં જોડાય છે અને જરૂરી માહિતી એકત્ર કર્યા પછી આગળની કાર્યવાહી કરે છે.
જરૂરિયાત પ્રમાણે ક્યારેક કોઈ પોલીસકર્મી જ્યોતિષી બની જાય છે તો કોઈ વિકલાંગ બની જાય છે. એક પોલીસકર્મીએ પુત્રને નોકરી અપાવવાના બહાને એક ગેંગની માહિતી એકત્ર કરી હતી.
આમ કરીને આગ્રા પોલીસ અનેએસટીએફે 20થી વધુ ગુનેગારોને જેલના સળિયા પાછળ મોકલી દીધા છે. અનેક ગેંગનો પર્દાફાશ પણ થયો છે. આ માટે તે ક્યારેક મજૂર તો ક્યારેક શાકભાજી વેચનારનો વેશ ધારણ કરે છે. હાલમાં તેમનું કામ ચર્ચાનો વિષય બની રહે છે.
એ વાત ખરી કે દેશમાં ગુનાખોરી વધતી જાય છે, પરંતુ આપણા સુરક્ષાકર્મીઓ પણ આપણને સુરક્ષિત રાખવા ઓછી જહેમત નથી ઉઠાવતા. આવા તમામ કર્મીઓને સલામ જેમના લીધે આપણે આરામથી ઊંઘી શકીએ છીએ.