ભારતમાં ઇસ્લામનો પાયો નાખનાર 900 વર્ષ જૂની ‘Baba Rozbih’ની મજાર પર બુલડોઝર ફેરવાયું
નવી દિલ્હી: રાષ્ટ્રીય રાજધાની દિલ્હીના મહેરૌલી વિસ્તારમાં દિલ્હી ડેવલપમેન્ટ ઓથોરિટી એટલે કે DDA દ્વારા કરવામાં આવેલા બુલડોઝર ઓપરેશન પર હાલમાં ઘણા પ્રશ્નો ઊઠેલા છે. હજુ બે દિવસ પહેલા જ સંજય વનની અંદર આવેલી લગભગ 600 વર્ષ જૂની અખુંદજી મસ્જિદને તોડી પાડવાનો વિવાદ હજુ શમ્યો નથી ત્યાં તો DDAએ બાબા હાજી રોઝબીહની મજારને પણ તોડી પાડી હતી. હાજી રોઝબીહને દિલ્હીના પ્રથમ સૂફી સંતોમાંના એક ગણવામાં આવે છે, જેમની દરગાહને 30 જાન્યુઆરીના રોજ તોડી પાડવામાં આવી હતી.
DDAના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે સંજય વનની અંદર ઘણી ધાર્મિક ઇમારતો તોડી પાડવામાં આવી હતી જેમાં 12મી સદીની આ મજારનો પણ સમાવેશ થતો હતો. રિજ મેનેજમેન્ટ બોર્ડના જણાવ્યા મુજબ રિજ વિસ્તાર એટલે કે વન વિસ્તાર તમામ પ્રકારના અતિક્રમણથી મુક્ત હોવો જોઈએ, અને તેથી એક સમિતિની રચના કરવામાં આવી હતી જેણે અનેક ગેરકાયદે બાંધકામોની તપાસ કરી હતી અને આ સમિતિએ જણાવેલા તમામ ગેરકાયદે બાંધકામોને દૂર કરવા જણાવ્યું હતું.
જો કે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ (એનજીટી)ને સુપરત કરાયેલા અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું કે આ અતિક્રમણમાં ઘણી બહુમાળી ઈમારતો અને વિશાળ ફાર્મહાઉસનો પણ સમાવેશ થાય છે, જેમાંથી ઘણી ઇમારતો ગાઢ જંગલોમાં પણ આવેલી છે. ત્યારે કોર્ટના અનેક આદેશો અને છતાં સત્તાવાળાઓએ તેમને દૂર કરવા માટે કંઈ કર્યું નથી. આથી ઘણા લોકોએ 900 વર્ષ જૂની આ મજારને તોડવાની કાર્યવાહી પર સવાલો ઉઠાવ્યા હતા.
નોંધનીય છે કે આ મજાર લાલ કોટ કિલ્લાના પ્રવેશદ્વાર પર હતી. ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI)ના સહાયક અધિક્ષક મૌલવી ઝફર હસન દ્વારા 1922માં પ્રકાશિત ‘મોહમ્મડન અને હિંદુ સ્મારકોની યાદી નામના પુસ્તકમાં તેનો ઉલ્લેખ છે.