આઝમ ખાનના પુત્ર અબ્દુલ્લા ખાનને બે પાસપોર્ટ રાખવાના કેસમાં સાત વર્ષની જેલની સજા…

લખનઉ : ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પાર્ટીના નેતા આઝમ ખાનના પુત્ર અબ્દુલ્લા આઝમને બે પાસપોર્ટ રાખવા બદલ સાત વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે. અબ્દુલ્લા આઝમ ખાનને પહેલેથી જ બે પાન કાર્ડ રાખવા બદલ સજા ફટકારવામાં આવી છે. આઝમ ખાનનો પુત્ર હાલ જેલમાં સજા કાપી રહ્યો છે જેના લીધે તેને વિડીયો કોન્ફરન્સથી હાજર કરવામાં આવ્યો હતો.
બે પાસપોર્ટ રાખવા કાયદાનો ભંગ
આ અંગે ભાજપના ધારાસભ્ય આકાશ સક્સેનાએ સિવિલ લાઇન્સ પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જેમાં આરોપ હતો કે અબ્દુલ્લાએ અલગ અલગ જન્મ તારીખનો ઉપયોગ કરીને બે પાસપોર્ટ મેળવ્યા હતા. જે નિયમોનું સ્પષ્ટ ઉલ્લંઘન છે. તેમજ પાસપોર્ટ ખોટા અને બનાવટી દસ્તાવેજોના આધારે ઇસ્યુ કરવામાં આવ્યા હતા અને તેનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. જે પાસપોર્ટ કાયદા હેઠળ ગંભીર ગુનો છે. ટ્રાયલ દરમિયાન અબ્દુલ્લા આઝમ ખાનને દોષી ઠેરવવામાં આવ્યો હતો અને સજા ફટકારવામાં આવી હતી.
અબ્દુલ્લા આઝમને રામપુર જેલમાં રહેવાનો આદેશ
ઉલ્લેખનીય છે કે, 19 નવેમ્બરના રોજ રામપુરની ખાસ સાંસદ/ધારાસભ્ય અદાલતે આઝમ ખાન અને તેમના પુત્ર અબ્દુલ્લા આઝમને રામપુર જેલમાં રહેવાનો આદેશ આપ્યો હતો. કોર્ટે શરત મૂકી હતી કે તેમને પૂર્વ પરવાનગી વિના અન્ય કોઈપણ જેલમાં ટ્રાન્સફર કરવામાં નહિ આવે. કોર્ટે એવો પણ નિર્દેશ આપ્યો હતો કે આઝમ ખાનને તેમના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને ‘ઉચ્ચ વર્ગની જેલ’ અને પૂરતી તબીબી સુવિધાઓ પૂરી પાડવામાં આવે.
અબ્દુલ્લા આઝમ વિરુદ્ધ 45 કેસ
આઝમ ખાને તેમને રામપુર જિલ્લા જેલમાં રાખવાની વિનંતી કરતી અરજી દાખલ કરી હતી. તેમણે પોતાની ખરાબ તબિયત અને તેમની સામે 100 થી વધુ કેસ તેમજ તેમના પુત્ર વિરુદ્ધ આશરે 45 કેસોનો ઉલ્લેખ કર્યો હતો. જેમાંથી મોટાભાગના રામપુરમાં ચાલી રહ્યા છે. આઝમ ખાને એવી પણ વિનંતી કરી હતી કે તેમના પુત્રને રામપુર જેલમાં તેમની સાથે રાખવામાં આવે કારણ કે તેમની તબિયત ખરાબ હોવાથી તેમને તેમના પુત્રના મદદની જરૂર હતી.
આ પણ વાંચો…આઝમ ખાનને બે પાન કાર્ડ રાખવાના કેસમાં કોર્ટે સાત વર્ષની સજા ફટકારી…



