‘આઝાદી કા અમૃત મહોત્સવ’ લોક ચળવળ બની ગઈ: મોદી
નવી દિલ્હી: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે આઝાદી કા અમૃત મહોત્સવની પરાકાષ્ઠાને બિરદાવતા જણાવ્યું હતું કે લગભગ ૧૦૦૦ દિવસની આ ઉજવણી એક લોક ચળવળ બની ગઈ હતી અને ભારતે આ દરમિયાન પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવા અને મહિલાઓના આરક્ષણ બિલને પસાર કરવા જેવી ઘણી સિદ્ધિઓ મેળવી હતી.
તેમણે ૨૦૪૭ સુધીમાં ભારતને વિકસિત દેશ બનાવવાના સંકલ્પનો પણ પુનરોચ્ચાર કર્યો હતો અને યુવાનોને તે તરફ કામ કરવા વિનંતી કરી હતી.
તેમણે કહ્યું કે જે રીતે દાંડી યાત્રાએ લોકોને એકસાથે લાવ્યા, તેવી જ રીતે આઝાદી કા અમૃત મહોત્સવે લોકોની ભાગીદારી સાથે નવો ઈતિહાસ રચ્યો છે.
સ્વતંત્રતા સંગ્રામથી કોઈ પ્રદેશ કે સમુદાય અછૂતો રહ્યો ન હતો તેની નોંધ લેતા મોદીએ કહ્યું કે દેશે અમૃત મહોત્સવને દરેકનો ઉત્સવ બનાવ્યો છે.
આપણે ૨૦૪૭ સુધી ભારતને વિકસિત દેશ બનાવવો છે. આપણે આપણા પ્રયત્નો વધારવાના છે અને દરેકનું યોગદાન મહત્ત્વનું છે. પીએમ મોદીએ અહીં કર્તવ્ય પથ ખાતે “મેરી માટી મેરા દેશ અભિયાનની પરાકાષ્ઠા અને તેની સાથે આઝાદી કા અમૃત મહોત્સવના કાર્યક્રમમાં ભાગ લીધો હતો.
૧૦૦૦-દિવસના સમયગાળામાં દેશે ઘણી સિદ્ધિઓ મેળવી છે જેમ કે કોરોના વાઇરસ રોગચાળાનો સફળતાપૂર્વક સામનો કરવો, વિકસિત ભારત માટે રોડમેપ બનાવવો, પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની, ચંદ્રયાન-૩, એશિયન ગેમ્સ અને એશિયન પેરા ગેમ્સમાં ૧૦૦થી વધુ મેડલ જીત્યા, નવા સંસદભવન મેળવવું અને મહિલા અનામત બિલ પસાર કરવું.
એમણે આ પ્રસંગે જણાવ્યું હતું કે આજે સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતી પર, કર્તવ્ય પથ એક ઐતિહાસિક ‘મહાયજ્ઞ’નો સાક્ષી બની રહ્યો છે. ૧૨ માર્ચ, ૨૦૨૧ના રોજ મહાત્મા ગાંધીની પ્રેરણાથી સાબરમતી આશ્રમથી શરૂ થયેલ આઝાદી કા અમૃત મહોત્સવનું આજે સમાપન થઈ રહ્યું છે.
મોદીએ જણાવ્યું હતું કે અમે રાજપથથી કર્તવ્ય પથ સુધીની યાત્રા પણ પૂરી કરી છે. અમે ગુલામીના અસંખ્ય પ્રતીકોને દૂર કર્યા છે અને કર્તવ્ય માર્ગના એક છેડે આઝાદ હિંદ સરકારના પ્રથમ વડા પ્રધાન સુભાષચંદ્ર બોઝની પ્રતિમા સ્થાપિત કરવામાં આવી છે.
મોદીએ યુવાનોને રાષ્ટ્ર નિર્માણનાં વિવિધ કાર્યક્રમોમાં સક્રિય ભૂમિકા ભજવવાની તક આપવા માટે ‘મેરા યુવા ભારત’ (માય ભારત) પ્લેટફોર્મ પણ લોન્ચ કર્યું હતું.