આયુર્વેદ અને યોગને ‘આયુષ્માન ભારત’માં સામેલ કરોઃ સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર પાસે માગ્યો જવાબ…
નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે આયુર્વેદ, યોગ અને નેચરોપેથીને રાષ્ટ્રીય આયુષ્માન ભારત યોજનામાં સામેલ કરવાની માંગ કરતી અરજી પર કેન્દ્ર સરકાર પાસે જવાબ માંગ્યો છે. ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા ડી. વાય. ચંદ્રચૂડ અને જસ્ટિસ જે. બી. પારડીવાલા અને મનોજ મિશ્રાની ખંડપીઠે એડવોકેટ અશ્વિની કુમાર ઉપાધ્યાયની અરજી પર કેન્દ્ર સરકાર અને અન્ય પક્ષકારોને નોટિસ પાઠવી હતી.
આ પણ વાંચો : PM જન-આરોગ્ય યોજના હેઠળ કરોડો નાગરિકોને આરોગ્ય કવચ, 2.6 કરોડને આયુષ્માન કાર્ડ
અરજીમાં પીએમ જેએવાય નામથી ઓળખાતી યોજના આયુષ્યમાન ભારતમાં ઉપરોક્ત તબીબી સારવારની પદ્ધતિઓને સામેલ કરવાની માંગ કરતા કહ્યું હતું કે તેનાથી દેશની વસ્તીના નોંધપાત્ર વર્ગને સસ્તી આરોગ્ય સેવાઓનો લાભ અને વિવિધ ગંભીર રોગોમાં સારવારની સુવિધા મળશે, સાથે જ આયુર્વેદ ક્ષેત્રે કામ કરતા ઘણા લોકોને રોજગારી પણ મળશે.
આ પણ વાંચો : Supreme Court એ યુપી મદરેસા એક્ટ 2004 અંગે આપ્યો આ મોટો ચુકાદો
વર્ષ 2018માં શરૂ કરાયેલી આયુષ્માન ભારત યોજનામાં બે મુખ્ય ઘટક છે – પીએમ જેએવાય અને સ્વાસ્થ્ય અને કલ્યાણ કેન્દ્ર. પીએમ જેએવાય હેઠળ દર વર્ષે ગરીબી રેખા હેઠળના દરેક પરિવારને 5 લાખ રૂપિયાનું કેશલેસ હેલ્થ ઇન્શ્યોરન્સ કવર આપવામાં આવે છે. અરજદારે આ યોજનાને તમામ રાજ્યો અને ભારતીય આરોગ્ય સુવિધાઓમાં લાગુ કરવાની માંગ કરી છે.
આ પણ વાંચો : Supreme Court એ કહ્યું મંદિર હોય કે મસ્જિદ રસ્તા વચ્ચે અવરોધ ના બની શકે
અરજીમાં કહેવામાં આવ્યું છે કે પીએમ જેએવાય એટલે કે આયુષ્માન ભારત મુખ્યત્વે એલોપેથિક હોસ્પિટલો અને દવાખાનાઓ સુધી મર્યાદિત છે, જ્યારે ભારતમાં આયુર્વેદ, યોગ, નેચરોપેથી, સિદ્ધ, યુનાની, હોમિયોપેથી વગેરે સહિતની વિવિધ સ્વદેશી તબીબી પ્રણાલીઓ છે, જે ભારતની સમૃદ્ધ પરંપરાઓમાં મૂળ છે અને વર્તમાન સમયની આરોગ્ય સંભાળની જરૂરિયાતોને પહોંચી વળવામાં અત્યંત અસરકારક છે.