નેશનલ

અયોધ્યા દસ લાખ દીવાથી ઝળહળશે

અયોધ્યા : નવા રામમંદિરમાં રામ ભગવાનની મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠાની ઉજવણી કરવા અયોધ્યા દસ લાખ માટીના દીવાથી ઝળહળશે. અધિકારીઓએ કહ્યું હતું કે દીવા રામમંદિર, રામ કી પૈડી, કનક ભવન, ગુપતાર ઘાટ, સરયૂ ઘાટ, લતા મંગેશકર ચોક. મણિરામ દાસ ચાવણી અને બીજા મહત્ત્વના સ્થળો સહિત ૧૦૦ મંદિરમાં પ્રજવલિત કરાશે. જેની લાંબા સમયથી રાહ જોવાય છે તે રામમંદિરની પ્રાણપ્રતિષ્ઠા સોમવારે પાર પડાશે. આમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી હાજરી આપશે અને મંદિર એક દિવસ બાદ ભાવિકો માટે ખુલ્લું મુકાશે. પ્રાણપ્રતિષ્ઠાની વિધિ પછી દરેક નાગરિકને સાંજે તેમના ઘરોમાં દીવા પ્રગટાવવાનું ઈજન દેવાયું છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ લોકોને રામમંદિરની પ્રાણપ્રતિષ્ઠાની ઉજવણી કરવા તેમના ઘરોમાં ખાસ દીવા પ્રગટાવવાની અપીલ કરી છે. તેમણે તેમના પ્રધાનમંડળના સાથીદારોને પ્રાણપ્રતિષ્ઠાની ઉજવણી કરવા તેમના ઘરોમાં દીવા પ્રગટાવવા અને ગરીબોને ભોજન આપવાનું જણાવ્યું છે.

અધિકારીઓએ કહ્યું હતું કે ઉત્તર પ્રદેશ સરકાર છેલ્લાં સાત વર્ષથી દિવાળીમાં દિપોત્સવ મનાવે છે અને ૨૨ જાન્યુઆરીએ અયોધ્યા ફરી દીવાથી ઝળહળશે. ૨૦૧૭માં રાજ્ય સરકારે ૧.૭૧ લાખ દિવા પ્રગટાવ્યા હતા. ૨૦૨૩માં દિપોત્સવે ૨૨.૨૩ લાખ દીવા પ્રગટાવીને નવો વિક્રમ કર્યો હતો.

મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે લોકોને ફક્ત તેમના ઘરો જ નહીં, પરંતુ દુકાનોે, ઓફિસો અને ઐતિહાસિક તથા ધાર્મિક સ્થળોમાં દીવાનો ઝગમગાટ કરવાની અપીલ કરી છે. (એજન્સી)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button