દેશવાસીઓને 6 Vande Bharat અને 2 અમૃત ભારતની ભેટ, જાણો કયા રૂટ પર દોડશે આ ટ્રેનો

અયોધ્યાઃ કરોડો રેલવે મુસાફરોને ભેટ આપતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે 8 નવી ટ્રેનોને લીલી ઝંડી આપી છે. આઠ નવી ટ્રેનોમાં બે નવી અમૃત ભારત એક્સપ્રેસ ટ્રેન અને છ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન છે. અમૃત ભારત ટ્રેનને પ્રથમ વખત દેશના લોકો માટે ફ્લેગ ઓફ કરવામાં આવી છે. પીએમ મોદીએ અયોધ્યામાં એક કાર્યક્રમ દરમિયાન નવી ટ્રેનોને લીલી ઝંડી બતાવી હતી. આમાંથી કેટલીક ટ્રેનોને અયોધ્યાથી ફ્લેગ ઓફ કરવામાં આવી છે. બાકીની કેટલીક ટ્રેનોને વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ફ્લેગ ઓફ કરવામાં આવી હતી.
અમૃત ભારત એક્સપ્રેસ રેલ્વેની નવી ટ્રેન છે, તેને સામાન્ય માણસની સુવિધાને ધ્યાનમાં રાખીને શરૂ કરવામાં આવી છે. આ એલએચબી પુશપુલ નોન-એસી ટ્રેનમાં સેકન્ડ ક્લાસ અનરિઝર્વ્ડ અને સ્લીપર કોચ છે. બંને છેડે 6,000 hp WAP5 એન્જિન સાથે, ટ્રેન 130 kmphની ઝડપે દોડવા સક્ષમ છે. આ ટ્રેમ મુસાફરોને સુંદર અને આકર્ષક ડિઝાઇનવાળી સીટો, સારી લગેજ રેક, મોબાઇલ ચાર્જિંગ પોઇન્ટ, એલઇડી લાઇટો, સીસીટીવી, પબ્લિક ઇન્ફોર્મેશન સિસ્ટમ જેવી સુવિધાઓ આપવામાં આવી છે.
આ સાથે પીએમ મોદીએ 6 વંદે ભારત ટ્રેનને પણ લીલી ઝંડી દેખાડી હતી. વંદે ભારત પહેલાથી જ દેશમાં અલગ-અલગ રૂટ પર કાર્યરત છે. વંદે ભારત ટ્રેન 160 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડે છે. આજની છ નવી ટ્રેનમાં શ્રી માતા વૈષ્ણો દેવી કટરા-નવી દિલ્હી વંદે ભારત એક્સપ્રેસ, અમૃતસર-દિલ્હી વંદે ભારત એક્સપ્રેસ, મેંગલોર-મડગાંવ વંદે ભારત એક્સપ્રેસ, જાલના-મુંબઇ વંદે ભારત એક્સપ્રેસ, કોઇમ્બતુર-બેંગલોર કેન્ટ વંદે ભારત એક્સપ્રેસ, અયોધ્યા-આનંદ વિહાર ટર્મિનલ વંદે ભારત એક્સપ્રેસનો સમાવેશ થાય છે.
જાલના-મુંબઇ વંદે ભારત એક્સપ્રેસ એ આઠ કોચવાળી હાઇ સ્પીડ ટ્રેન છે. આ ટ્રેન મરાઠવાડા શહેરથી સવારે 11 કલાકે ઉપડશે અને સાંજે 6.45 વાગે મુંબઇ પહોંચશે. આ ટ્રેન પહેલી જાન્યુારીથી નિયમિતપણે ચલાવવામાં આવશે અને સીએસએમટીથી બપોરે 1.10 કલાકે ઉપડશે અને રાતે 8.30 કલાકે જાલના પહોંચશે. બીજી જાન્યુારીથી તે જાલનાથી સવારે 5.05 કલાકે ઉપડશે અને 11.55 કલાકે સીએસએમટી પહોંચશે.
IRCTC દ્વારા હજુ સુધી ટ્રેનની ટિકિટ અંગેની માહિતી જાહેર કરવામાં આવી નથી.