અયોધ્યા માટે અડવાણી, મુરલી મનોહર જોશીને આમંત્રણ મળ્યું છે પણ…
અયોધ્યા મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. દેશવિદેશના નામાંકિત અગ્રગણ્ય લોકોને આમંત્રણ આપવામાં આવ્યા છે, ત્યારે સ્વાભાવિક છે કે ઉત્તર પ્રદેશના અયોધ્યામાં રામ મંદિર માટેના આંદોલનમાં મોખરે રહેલા ભારતીય જનતા પાર્ટી (BJP)ના વરિષ્ઠ નેતાઓ લાલકૃષ્ણ અડવાણી અને મુરલી મનોહર જોશી બધાને યાદ આવે જ. સવારથી એવી ચર્ચા ચાલી રહી છે કે લાલકૃષ્ણ અડવાણી અને મુરલી મનોહર જોશીને મંદિરના અભિષેક સમારોહમાં આમંત્રણ આપવામાં આવ્યું નથી. આ સમાચાર પ્રસર્યા બાદ વિરોધ પક્ષોને તો એક મુદ્દો જ મળી ગયો છે. ભાજપમાં મોટા મોટા નેતાઓને સાઇડ લાઇન કરી દેવામાં આવ્યા છે અને મોદી, શાહ, રાજનાથ સિંહ, નડ્ડા વગેરે લોકો મળીને આપખુદ નિર્ણયો લઇ રહ્યા છએ. પક્ષમાં વડિલોને કંઇ સ્થાન જ નથી …. વગેરે જેવા મનઘડંત આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. હવે આ મુદ્દે સ્પષ્ટતા કરવામાં આવી છે.
રામ મંદિર માટેના આંદોલનમાં મોખરે રહેલા વડીલો અને ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી અને મુરલી મનોહર જોશીને સાઇડ લાઇન કરવામાં નથી આવ્યા. મળતી માહિતી મુજબ દિગ્ગજ નેતાઓને તેમના ઘરે જઇને અયોધ્યા રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આમંત્રણ આપવામાં આવ્યું હતું, પરંતુ તેમની જૈફ વય અને ઉંમર સંબંધી સમસ્યાઓને કારણે તેઓ સમારોહમાં હાજરી આપી શકશે નહીં. અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ કરી રહેલી સંસ્થા શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયે આ માહિતી આપી હતી. હવે આ સ્પષ્ટતા બાદ ભાજપમાં વરિષ્ઠ નેતાઓને માન સન્માન આપવામાં આવતું નથી તેવી અફવા પાયાવિહોણી પુરવાર થઇ છે.