અયોધ્યા બનશે સોલર સિટી: સ્ટ્રીટ લાઇટ પર હશે સાઉથ ઇન્ડિયાની થીમ
અયોધ્યા: સૂર્યવંશી ભગવાન રામની નગરી અયોધ્યાને ઝગમગાવવા ભગવાન સૂર્યની ઉર્જાનો ઉપયોગ કરવામાં આવનાર છે. અયોધ્યામાં સૌર ઉર્જાથી રામ મંદિર સહિત આખા શહેરને ઝગમગાવવામાં આવશે. ઉત્તર પ્રદેશ સરકાર અયોધ્યાને સોલર સિટી તરીકે વિકસાવી રહી છે.
અયોધ્યાને પ્રકાશીત કરવા માટે એનટીપીસી 40 મેગાવોટનો સોલર પ્લાન્ટ લગાવી રહી છે. 22મી જાન્યુઆરીના રોજ રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા સમયે આ સોલર પ્લાન્ટ 10 મેગાવોટ વિજળીનું ઉત્પાદન શરુ કરશે. અને માર્ચમાં બાકીના 30 મેગાવોટનું પણ ઉત્પાદન શરુ કરી દેશે.
અયોધ્યા શહેરને 50 ટકા વીજળી આ સૌર ઉર્જા પ્લાન્ટથી મળશે. 165 એકરમાં આવેલ આ સોલર પ્લાન્ટમાં 1 લાખ સોલર પેનલ લગાવવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે દક્ષિણ ભારતમાં લગાવવમાં આવેલ તિલકની જેમ જ અહીં લાગનારી સ્ટ્રીટ લાઇટની ડિઝાઇન બનાવવામાં આવી છે.
એક તરફ અયોધ્યાનું રામ મંદિર જ્યાં તેનો ભવ્ય આકાર લઇ રહ્યો છે. તો બીજી બાજુ શહેરમાં ઠેર ઠેર બ્યુટિફીકેશનનું કામ ચાલી રહ્યું છે. આ કામમાં પણ ભગવાન રામ અને તેમના જીવન ચરિત્રનું દર્શન થશે.
અત્રે ઉલ્લેખનીય છે કે 22મી જાન્યુઆરીના રોજ રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા થવા જઇ રહી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી, ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથની સાથે દેશના ધણાં વીવીઆઇપી સામેલ થશે. કાર્યક્રમમાં બધી જ પરંપરાના સાધુ-સંતોની સાથે કોઇ પણ ક્ષેત્રમાં દેશનું નામ રોશન કરનારા કમામ પ્રમુખ લોકોને આમંત્રીત કરવામાં આવ્યા છે.