અયોધ્યા: ઉત્તર પ્રદેશના અયોધ્યામાં બની રહેલા ભવ્ય મંદિરમાં 22 જાન્યુઆરીએ રામલલ્લાની મૂર્તિનો અભિષેક કરવામાં આવશે. આ કાર્યક્રમ માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદી મુખ્ય યજમાન છે, ઉપરાંત દેશના દિગ્ગજ નેતાઓ, ઉદ્યોગપતિઓ, ફિલ્મ કલાકારો ઉપસ્થિત રહેવાના છે.
સાથે લાખોની સંખ્યામાં લોકો અયોધ્યા નગરીમાં ઉમટશે. એ પહેલા સુરક્ષા એજન્સીઓ અયોધ્યાના દરેક ખૂણા પર નજર રાખી રહી છે. આ માટે ઈન્ટેલિજન્સ બ્યુરો(IB) અને રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ(RAW)ના એજન્ટો ઉપરાંત આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સની પણ મદદ લેવામાં આવશે. રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા દરમિયાન, IB અને RAW સાથે મળીને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) દ્વારા અયોધ્યામાં આવતા-જતા લોકો પર નજર રાખવામાં આવશે. આ અંગે સંપૂર્ણ બ્લ્યુ પ્રિન્ટ તૈયાર કરવામાં આવી રહી છે.
હકીકતમાં અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ બાદ અહીં આવનારા ભક્તોની સંખ્યા ઝડપથી વધી રહી છે. સુરક્ષા વ્યવસ્થાને પહોંચી વળવા AIની મદદ લેવમાં આવી રહી છે.અયોધ્યાના દરેક ખૂણે-ખૂણા પર નજર રાખવા માટે પોલીસે એક ડેટાબેઝ તૈયાર કર્યો છે, જેની મદદથી શહેરમાં પ્રવેશતા લોકો અને બહારની ગતિવિધિઓ પર નજર રાખવામાં આવશે. ઘણી કંપનીઓએ પોલીસનો સંપર્ક કર્યો છે, જે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ ડેટાબેઝ પર કામ કરીને અયોધ્યાની સુરક્ષાને વધુ મજબૂત કરશે.ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા અયોધ્યાની સુરક્ષા માટે આધુનિક સુરક્ષા ઉપકરણોની ખરીદી માટે 90 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે.
આ બજેટમાંથી વધુ રકમ ડ્રોન ખરીદવા પાછળ વાપરવામાંઆવશે, જે રેડ ઝોન અને યલો ઝોન પર નજર રાખવામાં મદદરૂપ સાબિત થશે. અયોધ્યાના વરિષ્ઠ પોલીસ અધિકારીના કહેવા મુજબ, અયોધ્યાને ચારે બાજુથી સુરક્ષાથી ઘેરી લેવામાં આવી રહી છે, જેમાં ઈન્ટેલિજન્સ બ્યુરો, RAW અને NSGના અજવાનો પણ અંદર હશે. આ સિવાય આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સની પણ મદદ લેવામાં આવશે, જેમાં એક ડેટાબેઝ તૈયાર કરવામાં આવી રહ્યો છે, જેનો ઉપયોગ સુરક્ષા માટે કરવામાં આવશે.