માયાવતીને પણ મળ્યું રામ લલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આમંત્રણ, સમારોહમાં સામેલ થવા અંગે શું કહ્યું જાણો
અયોધ્યાઃ રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠઆ મહોત્સવમાં આવવા માટે દેશવિદેશના મહાનુભાવો, જે તે ક્ષેત્રની જાણીતી હસ્તીઓને આમંત્રણો આપવામાં આવી રહ્યા છે. આ જ ક્રમમાં ઉત્તર પ્રદેશમાં બહુજન સમાજ પાર્ટી (BSP) ના અધ્યક્ષ માયાવતીને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. વિશ્વ હિંદુ પરિષદે જણાવ્યું હતું કે રામલલ્લાના અભિષેક સમારોહમાં બસપા પ્રમુખ માયાવતીને આમંત્રણ આપવામાં આવ્યું હતું. VHPના જણાવ્યા અનુસાર, માયાવતીએ આમંત્રણ સ્વીકારી લીધું છે, પરંતુ તેઓ આ કાર્યક્રમમાં હાજરી આપી શકશે નહીં. તો સમાજવાદી પાર્ટીના અખિલેશ યાદવે કહ્યું હતું કે તેમને અયોધ્યામાં 22 જાન્યુઆરીએ યોજાનાર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ માટે આમંત્રણ મળ્યું નથી. આ અંગે વિશ્વ હિન્દુ પરિષદ (VHP)નું કહેવું છે કે ઉત્તર પ્રદેશના બંને પૂર્વ મુખ્ય પ્રધાન અખિલેશ યાદવ અને માયાવતીને 22 જાન્યુઆરીએ અયોધ્યામાં રામ મંદિરના ‘પ્રાણ પ્રતિષ્ઠા’ સમારોહમાં આમંત્રણ આપવામાં આવ્યું હતું.
VHP ઇન્ટરનેશનલના વર્કિંગ પ્રેસિડેન્ટ આલોક કુમારે આ અંગે જણાવ્યું હતું કે, ‘અખિલેશ યાદવને કુરિયર દ્વારા આમંત્રણ મોકલવામાં આવ્યું હતું. તેના પર કોઈ વિવાદ નથી. જો તેને તેના દાવા મુજબ તે ન મળ્યું હોય તો અમે તેને ફરીથી આમંત્રણ મોકલી શકીએ છીએ. નોંધનીય છે કે અખિલેશ યાદવે પહેલા કહ્યું હતું કે જો તેમને આમંત્રણ આપવામાં આવશે તો તેઓ અયોધ્યા જશે. પછી તેમણે કહ્યું હતું કે, ‘ભગવાન બોલાવે તો કોણ રોકે? જ્યારે ભગવાન રામ મને બોલાવશે ત્યારે હું અયોધ્યા જઈશ. હું જેને ઓળખતો નથી તેના આમંત્રણ પર હું કેવી રીતે જઈ શકું? માયાવતીને અમારું આમંત્રણ મળ્યું છે. તેમણે આમંત્રણનો સ્વીકાર કર્યો છે, પરંતુ સમારોહમાં હાજરી આપવા માટે અસમર્થતા દર્શાવી છે. આ અભિષેક સમારોહમાં તમામ રાજકીય પક્ષોના પ્રમુખોને આમંત્રણ આપવામાં આવ્યું છે.
આલોક કુમારે એમ પણ જણાવ્યું હતું કે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખરને પણ 22 જાન્યુઆરીના કાર્યક્રમમાં ભાગ લેવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે, પરંતુ રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિની યાત્રાને લઈને ઘણા પ્રોટોકોલ સંભાળવાના હોય છે, તેથી તેઓ આ મહોત્સવમાં હાજરી નહીં આપી શકે. છે. જો કે બંને રામ મંદિર ટ્રસ્ટ સાથે ચર્ચા કર્યા બાદ અનુકૂળ તારીખે અયોધ્યા આવશે. VHP રામ મંદિર ટ્રસ્ટને આમંત્રણોના વિતરણમાં મદદ કરી રહ્યું છે.
રામ મંદિર ટ્રસ્ટ તરફથી કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, સોનિયા ગાંધી અને અધીર રંજન ચૌધરીને 22 જાન્યુઆરીએ અયોધ્યામાં કાર્યક્રમ માટે આવવાનું આમંત્રણ મોકલવામાં આવ્યું હતું. પરંતુ કોંગ્રેસે આ આમંત્રણને ભાજપનો રાજકીય કાર્યક્રમ ગણાવીને ફગાવી દીધું હતું. રામ મંદિર ટ્રસ્ટ દ્વારા તૈયાર કરાયેલા મહેમાનોની યાદીમાં ઉદ્યોગપતિઓ, વૈજ્ઞાનિકો, અભિનેતાઓ અને સૈન્ય અધિકારીઓના નામ પણ સામેલ છે. અન્ય આમંત્રિતોમાં દલાઈ લામા, બાબા રામદેવ, ઉદ્યોગપતિ ગૌતમ અદાણી અને મુકેશ અંબાણી તેમજ ફિલ્મ સ્ટાર અમિતાભ બચ્ચન, રજનીકાંત, માધુરી દીક્ષિત નેને, રણબીર કપુર-આલિયા ભટ્ટ, જેકી શ્રોફ, રણદીપ હુડ્ડા જેવા જાણીતા કલાકારોનો સમાવેશ થાય છે. આ યાદીમાં ટાટા ગ્રુપ અને એલએન્ડટી જેવી કંપનીઓના વડાઓના નામ પણ સામેલ છે.