
અયોધ્યા: ભગવાન રામની નગરી અયોધ્યામાં ભક્તોનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે. ભગવાન રામના દર્શન કરવા માટે વહેલી સવારથી મોડી રાત સુધી અયોધ્યાના માર્ગો પર રામ ભક્તોની ભીડ જોવા મળી રહી છે. આ ઉપરાંત ભક્તો ભગવાન રામ પર પોતાની તમામ ખુશીઓ ન્યૌછાવર કરી દેવા માંગતા હોય તેમ છૂટા હાથે દાન કરી રહ્યા છે. ભક્તો ફક્ત ભગવાન રામના મંદિરમાં મૂકેલી દાનપેટીમાં જ દાન કરે છે એટલું જ નહિ પરંતુ ઓનલાઈન પણ ઘણું દાન આપી રહ્યા છે. 22 જાન્યુઆરીના રોજ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ બાદ 23 જાન્યુઆરીના રોજથી મંદિર સામાન્ય ભક્તો માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે. ત્યારે ભગવાન રામના પ્રાણ પ્રતિષ્ઠા મહેત્સવના દિવસે જ રામ મંદિરને 3.17 કરોડનું દાન મળ્યું હતું જ્યારે 22 જાન્યુઆરીથી લઈને 2 ફેબ્રુઆરી સુધીમાં અધધધ કહી શકાય તેટલું દાન મળ્યું છે.
મળતી માહિતી અનુસાર રામ મંદિર સામાન્ય ભક્તો માટે ખોલવામાં આવ્યાના 10 દિવસમાં જ ભક્તોએ રામમંદિરને 12 કરોડ રૂપિયાનું દાન આપ્યું છે. 10 દિવસમાં લાખોની સંખ્યામાં ભક્તો રામ મંદિરમાં ભગવાન રામલલાના દર્શન કરવા પહોંચ્યા હતા. મંદિર સામાન્ય જનતા માટે ખુલ્લું મૂકવામાં આવ્યું તે દિવસે જ ફક્ત 5 લાખ ભક્તોએ ભગવાન રામના દર્શન કર્યા હતા. ત્યારથી અત્યાર સુધી રામલલાના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં ભક્તો અયોધ્યા આવી રહ્યા છે આજ સુધી એક પણ દિવસ અયોધ્યા માટે ખાલી નથી ગયો. ભગવાન રામના દર્શન કરવા આવનાર ભક્તો હનુમાનગઢી અને અન્ય મંદિરોમાં પણ જાય છે અને ત્યાં પણ છૂટથી દાન કરે છે. જેના કારણે અન્ય મંદિરોને પણ ઘણું દાન મળી રહ્યું છે.
નોંધનીય છે કે સવારે 7 વાગ્યાથી લઈને રાતે 10 વાગ્યા સુધી ભગવાન રામના દર્શન કરવા માટે મંદિર ખુલ્લુ રાખવામાં આવે છે. મળતી માહિતી મુજબ રામ મંદિરમાં 14 ફેબ્રુઆરીએ મંદિરના ઉદ્ધાટન બાદ વસંત પંચમીનો પહેલો તહેવાર ઉજવવામાં આવશે. જેમાં માતા સરસ્વતીની પૂજા કરવામાં આવશે અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે. રામ મંદિરમાં આખા વર્ષ દરમિયાન 12 મુખ્ય તહેવારો અને ઉત્સવો ઉજવવામાં આવશે.
સીએમ યોગી આદિત્ય નાથ સાથે ભાજપના તમામ ધારાસભ્યો 11મી ફેબ્રુઆરીએ રામ લલ્લાના દર્શનાર્થે જશે. આ દરમિયાન વિધાનસભા અધ્યક્ષ સતીશ મહાના અને સમર્થક પક્ષોના ધારાસભ્યો પણ હાજર રહેશે.