રામ મંદિરના ઉદ્ઘાટન પહેલા અયોધ્યા રેલવે સ્ટેશનનું નામ બદલાયું: જાણી લો નવું નામ…

ઉત્તરપ્રદેશ: સીએમ યોગી આદિત્યનાથે 2 દિવસ પહેલા અયોધ્યામાં રેલવે સ્ટેશનના નિરીક્ષણ દરમિયાન તેનું નામ બદલવાનો વિચાર વ્યક્ત કર્યો હતો. હવે આ અંગે નિર્ણય લેવાઇ ગયો છે અને 30 ડિસેમ્બરે રેલવે સ્ટેશનના લોકાર્પણ પહેલા તેનું અયોધ્યા રેલવે સ્ટેશનનું નામ બદલીને ‘અયોધ્યા ધામ’ કરી દેવાયું છે.
તાજેતરમાં જ કરાયેલી આ જાહેરાતથી રામભક્તોમાં આનંદ વ્યાપી ગયો છે. રેલવે વિભાગે પણ તેની પુષ્ટિ કરી છે. 22 જાન્યુઆરીએ અયોધ્યામાં ભવ્ય રામમંદિરના ઉદ્ઘાટન કાર્યક્રમનું આયોજન થયું છે. ત્યારે લાખોની સંખ્યામાં વિશ્વના ખૂણેખૂણેથી શ્રદ્ધાળુઓ આ કાર્યક્રમમાં હાજરી આપવાના છે. કાર્યક્રમને પગલે સ્થાનિક તંત્ર તડામાર તૈયારીઓ કરી રહ્યું છે. પીએમ મોદીના હસ્તે રામલલાની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા વિધિ સંપન્ન કરવામાં આવશે.
શ્રદ્ધાળુઓના ધસારાને ધ્યાનમાં રાખીને નવી ટ્રેન તથા ફ્લાઇટ્સ પણ શરૂ કરી દેવાઇ છે. 1 જાન્યુઆરીથી અયોધ્યા ધામ રેલવે સ્ટેશનને લોકો માટે ખુલ્લું મુકી દેવામાં આવશે. પીએમ મોદી અયોધ્યા ધામ રેલવે સ્ટેશનથી જ વંદે ભારત અને અમૃત ભારત ટ્રેનને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવશે. આ ઉપરાંત શ્રીરામ ઇન્ટરનેશનલ એરપોર્ટનું પણ પીએમ મોદી દ્વારા લોકાર્પણ થશે.
અયોધ્યા ધામ રેલવે સ્ટેશનનું ખાસ પ્રકારે નવીનીકરણ કરવામાં આવ્યું છે. ત્રેતા યુગની થીમ તેને નવું રૂપ આપવામાં આવ્યું છે. તે રામ મંદિરથી ફક્ત 1 કિમી દૂર છે. લગભગ 50 હજાર યાત્રિકોની ક્ષમતા ધરાવતા આ સ્ટેશનમાં નવીનીકરણ પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. યાત્રિકો માટે લિફ્ટ-એસ્કેલેટર સહિતની અદ્યતન સુવિધાઓ ઉભી કરવામાં આવી છે.