અયોધ્યામાં 9 કરોડનું બેંક બેલેન્સ ધરાવતા મહંતનું રહસ્યમય મોત

અયોધ્યાઃ અયોધ્યામાં મૃત્યુ પામેલા મહંતનું મોતનું કારણ શંકાઓ ઉપજાવી રહ્યું છે. તેમના પોસ્ટમોર્ટમનો રિપોર્ટ મોતનું કારણ હૃદયરોગનો હુમલો બતાવે છે, પરંતુ તેમના મોઢામાંથી ફીણ નીકળતા હતા તે વાત બહાર આવતા શંકાઓ ઉપજી રહી છે. વધુમાં મહંતે એક જમીન વેચી હતી અને તેથી તેમના બેંકમાં રૂ. 9.5 કરોડ હોવાનું પણ બહાર આવ્યું છે.
શનિવારે સાંજે અહીંના રાવત મંદિરમાં આ ઘટના ઘટી હતી. અહીંનાં મહંત રામ મિલન દાસની તબિયત કથડતા શિષ્યો તેમને હૉસ્પિટલ લઈ ગયા હતા, જ્યાં તેમને મૃત ઘોષિત કરવામાં આવ્યા હતા. પોસ્ટમોર્ટમ રિપોર્ટ અનુસાર મોતનું કારણહૃદયરોગનો હુમલો હોવાનું કહેવાય છે. તેઓ પહેલેથી જ ડાયાબિટિસના દરદી હતા અને તેમના હૃદયની ગતિ ધીમી પડી ગઈ હોવાથી મોત થયાનું રિપોર્ટના આધારે કહેવાય છે.
યોગી આદિત્યનાથની નજીક હતા મહંત
મહંત મૂળ કુશીનગરના હતા અને 15 વર્ષથી અયોધ્યા ખાતે રાવત મંદિરમાં સેવા આપતા હતા. બે મહિના પહેલા તેમણે રામઘાટ પાસે આવેલી જગ્યા રૂ. 8 કરોડમાં વેચી હતી. તેમના બેંક ખાતામાં દોઢેક કરોડ રૂપિયા હતા. તેમની કુલ સંપત્તિ સાડા નવ કરોડ જેટલી હોવાથી તેમના અચાનક મોત મામલે પોલીસને શંકા છે.
જોકે પોલીસને હજુ કોઈ સત્તાવાર ફરિયાદ મળી નથી, પરંતુ તેમના પરિવારજનો અને શિષ્યોની પૂછપરછ પોલીસ કરી રહી છે. મહંત યોગી આદિત્યનાથના નજીકના માનવામાં આવતા હતા.
રામ મંદિર બન્યા બાદ અયોધ્યામાં જમીનના ભાવ ખૂબ વધ્યા છે. જે લોકોએ અગાઉ પાણીના ભાવે જમીન ખરીદી હતી, તેઓ કરોડોમાં વેચી રહ્યા છે. જોકે હાલમાં તો આ કરોડોની સંપત્તિએ મહંતનો જીવ લીધો છે કે નહીં તેની તપાસ ચાલી રહી છે.
આપણ વાંચો: બિહાર ચૂંટણી પહેલા યાદવ પરિવારને ઝટકો; કોર્ટે આ કેસમાં લાલુ, રાબડી અને તેજસ્વી વિરુદ્ધ આરોપો ઘડ્યા



