વડા પ્રધાન નરેન્દ્ર મોદી 25 ડિસેમ્બરે અયોધ્યા એરપોર્ટનું ઉદ્ઘાટન કરશે…

વારાણસી: અયોધ્યા એરપોર્ટની કામગીરી હાલમાં જોરશોરમાં ચાલી રહી છે તેમજ 15 ડિસેમ્બર સુધીમાં તમામ કામ પૂર્ણ કરવાનો આદેશ છે. કારણકે વડા પ્રધાન નરેન્દ્ર મોદી 25 ડિસેમ્બરે અયોધ્યા એરપોર્ટનું ઉદ્ઘાટન કરવા અયોધ્યા આવશે. અયોધ્યા ઇન્ટરનેશનલ એરપોર્ટનું નામ શ્રી રામ ઇન્ટરનેશનલ એરપોર્ટ રાખવામાં આવ્યું છે. એરપોર્ટનું કામ લગભગ પૂર્ણતાના આરે છે. અહેવાલ પ્રમાણે હાલમાં લાયસન્સ આપવાની પ્રક્રિયા ચાલી રહી છે. એરપોર્ટ ઓથોરિટીએ એરપોર્ટ પર ટિકિટ બુક કરવા માટે કોડ પણ જાહેર કરી દીધો છે. શ્રી રામ એરપોર્ટ પરથી દિલ્હી માટેની પ્રથમ ફ્લાઇટ 10 જાન્યુઆરીએ ઉડાન ભરે તેવી શક્યતાઓ છે
હાલમાં એરપોર્ટ પર મોટા ભાગના તમામ કાર્યો પૂરા થઇ ગયા છે. અને હવે દરેકને છેલ્લો એર અપાઇ રહ્યો છે. તેમાં 2200 મીટર લાંબા અને 45 મીટર પહોળા રનવેનું નિર્માણ પૂર્ણ થઈ ગયું છે, જેના પર એરબસ-A320 ઉડી શકે છે. સુલતાનપુર સ્ટેટ હાઇવે પર સ્થિત ડભાસેમર પાસે એરપોર્ટ આવવા-જવા માટે નવો ફોર લેન રોડ બનાવવામાં આવ્યો છે તેનું પણ કામ પૂરું થઇ ગયું છે. એરપોર્ટમાં બે ટેક્સી-વે અને એપ્રોન પણ બનાવવામાં આવ્યા છે. આ એપ્રોનમાં ચાર એરોપ્લેન પાર્ક કરી શકાય છે. એક આઈસોલેશન એરિયા પણ બનાવવામાં આવ્યો છે, જ્યાં ઈમરજન્સીની સ્થિતિમાં વિમાન પાર્ક કરી શકાય છે. હવે એરપોર્ટ ઓથોરિટી બીજા તબક્કામાં 3,125 મીટર લાંબો રનવે અને ત્રીજા તબક્કામાં 3,750 મીટર લાંબો રનવે બનાવવાનું આયોજન કરી રહી છે, જેના પર મોટા વિમાનો સરળતાથી ઉતરી શકશે.
કેન્દ્રીય પ્રધાન જ્યોતિરાદિત્ય સિંધિયાએ જણાવ્યું હતું કે સીએમ યોગી આદિત્યનાથ સાથે તેણે થોડા સમય અગાઉ જ એરપોર્ટનું નિરીક્ષણ કર્યું હતું અને હાલમાં પણ આ પ્રોજેક્ટનું કામ મારા ધ્યાનમાં છે.