હિમાચલમાં હિમપ્રપાત: ૫ાંચસો રસ્તા બંધ
હિમવર્ષા: લાહૌલ અને સ્પિતિ જિલ્લામાં રવિવારે બરફ હટાવવાના મશીનની મદદથી રસ્તા પરથી બરફ દૂર કરવામાં આવ્યો હતો. (એજન્સી)
શિમલા: હિમાચલ પ્રદેશના લાહૌલ અને સ્પીતિ જિલ્લાના એક ગામમાં શનિવાર અને રવિવાર વચ્ચેની રાતે હિમપ્રપાત થયો હતો અને તેનાથી ચિનાબ નદીના પ્રવાહમાં પણ વિઘ્ન ઊભું થયું હતું. તેને પગલે નદીની આસપાસના વિસ્તારમાંના લોકોને સતર્ક કરાયા હતા.
હિમાચલ પ્રદેશમાં છેલ્લાં બે દિવસ દરમિયાન ભારે હિમવર્ષાને લીધે હિમપ્રપાત અને ભેખડો ધસી જવાની અંદાજે છ ઘટના બની હતી. તેને લીધે રાજ્યમાંના પાંચ રાષ્ટ્રીય ધોરીમાર્ગ સહિતના પાંચસો રસ્તા બંધ થઇ ગયા છે.
હિમપ્રપાતથી જાનહાનિના કોઇ સમાચાર રવિવારે રાત સુધી નહોતા મળ્યા. લાહૌલના તંડી બ્રિજ વિસ્તારમાં હિમપ્રપાતને લીધે અમુક દુકાન બરફ હેઠળ દટાઇ ગઇ હતી.
લાહૌલ અને સ્પીતિના રાશેલ ગામના સેલી નાળા, જોબ્રાંગના ફાલદી નાળા, લોહનીના ચો વીર મોડ અને ઉદયપુર ગામના તાથા નાળા ખાતે હિમપ્રપાતની ઘટના બની હતી.
ક્ધિનૌર જિલ્લાના સાંગલામાં કારચમ હેલિપૅડની નજીક પણ હિમપ્રપાત થયો હતો.
ભારે હિમવર્ષાને લીધે લાહૌલ અને સ્પીતિમાં ૨૯૦, ક્ધિનૌરમાં ૭૫, ચાંબામાં ૭૨, શિમલામાં ૩૫, કુલ્લુમાં ૧૮, મંડીમાં ૧૬, કાંગડામાં એક અને સિરમૌર જિલ્લામાં એક રસ્તા બંધ થઇ ગયા હતા.
શિમલામાં રસ્તા લપસણા બન્યા હોવાથી લોકોને, ખાસ કરીને પર્યટકોને બહાર બહુ નહિ નીકળવાની સૂચના અપાઇ હતી. (એજન્સી)