નેશનલ

ઑસ્ટ્રેલિયાનો ન્યૂઝિલૅન્ડ સામે પાંચ રને વિજય

ધરમશાલા: અહીં શનિવારે રમાયેલી આઈસીસી વર્લ્ડ કપની ઑસ્ટ્રેલિયા અને ન્યૂઝિલૅન્ડ વચ્ચેની વન-ડે મૅચમાં ઑસ્ટ્રેલિયાની ટીમે ન્યૂઝીલૅન્ડને પાંચ રને પરાજય આપ્યો હતો.
પ્રથમ બૅટિંગમાં ઊતરેલી ઑસ્ટ્રેલિયાની ટીમે ડૅવિડ વૉર્નર ૮૧ (પાંચ ચોગ્ગા, છ છગ્ગા), ટ્રાવિસ હૅડ ૧૦૯ (૧૦ ચોગ્ગા, સાત છગ્ગા), મિશૅલ માર્શ ૩૬, સ્ટિવ સ્મિથ ૧૮, મૉરસ લૅબુસ્ચૅન ૧૮, ગ્લૅન મૅક્સવેલ ૪૧, જૉશ ઈંગ્લીશ ૩૮, પૅટ કમિન્સ ૩૭, મિશૅલ સ્ટાર્ક ૦૧, ઍડમ ઝમ્પા શૂન્ય અને જૉશ હૅઝલવુડ શૂન્ય રનની મદદથી ૪૯.૨ ઑવરમાં ૩૮૮ રન બનાવી ઑલ આઉટ થઈ ગઈ હતી.

ન્યૂઝિલૅન્ડ વતી મૅટ હૅન્રીએ એક, ટ્રૅન્ટ બૉલ્ટે ત્રણ, મિશૅલ સૅન્ટનરે બે, ગ્લૅન ફિલિપ્સે ત્રણ અને જૅમ્સ નૅશામે એક વિકેટ ઝડપી હતી.

૩૮૯ રનના વિજયી લક્ષ્યાંકને પાર પાડવા ઉતરેલી ન્યૂઝિલૅન્ડની ટીમે ડૅવન કૉન્વે ૨૮, વીલ યન્ગ ૩૨, રાચિન રવીન્દ્ર ૧૧૬, ડૅરિલ મિશૅલ ૫૪, ટૉમ લાથૅમ ૨૧, ગ્લૅન ફિલિપ્સ ૧૨, જૅમ્સ નૅશામ ૫૮, મિશૅલ સૅન્ટનર ૧૭, મૅટ હૅન્રી ૦૯, ટ્રૅન્ટ બૉલ્ટ અણનમ ૧૦ અને લૉકી ફર્ગ્યુસનના અણનમ શૂન્ય રનની મદદથી નિર્ધારિત પચાસ ઓવરમાં નવ વિકેટ ૩૮૩ રન જ બનાવી શકતાં ઑસ્ટ્રેલિયાની ટીમનો પાંચ રને વિજય થયો હતો.

ઑસ્ટ્રેલિયા વતી જૉશ હૅઝલવુડે બે, પૅટ કમિન્સે બે, ગ્લૅન મૅક્સવૅલે એક, ઍડમ ઝમ્પાએ ત્રણ વિકેટ ઝડપી ઑસ્ટ્રેલિયાના વિજયમાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.

આ સાથે જ ઑસ્ટ્રેલિયાની ટીમે અત્યાર સુધીમાં ટૂર્નામેન્ટની છ મૅચમાં આઠ પૉઈન્ટ મેળવી લીધા છે. ન્યૂઝિલૅન્ડની ટીમે પણ આઠ પૉઈન્ટ મેળવ્યા છે. આઠ પૉઈન્ટ સાથે આ બંને ટીમ પૉઈન્ટ ટેબલમાં ચોથા સ્થાને છે.

દરમિયાન, આ મેચમાં બંને ટીમનો કુલ સ્કૉર ૭૭૧ રન રહ્યો હતો જે ટૂર્નામેન્ટનો અત્યાર સુધીનો સર્વાધિક સ્કૉર છે. આ સાથે આ બંને ટીમે અગાઉ ૭ ઑક્ટોબરે દ. આફ્રિકા (૪૨૮ રન) અને શ્રીલંકા (૩૨૬ રન) એમ બંને ટીમે મળીને કુલ નોંધાવેલા ૭૫૪ રનના સ્કૉરને પાર કર્યો હતો. (એજન્સી)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button