અમેરિકા બાદ ઓસ્ટ્રેલીયાએ પણ વધારી ભારતીયોની ચિંતા; વધુ પડતાં કામ કરવા બદલ વિઝા રદ
![Want to travel abroad on the cheap? So go to these visa free countries….](/wp-content/uploads/2024/09/download-69.jpeg)
નવી દિલ્હી: હાલ અમેરિકામાં ગેરકાયદે વસતા ભારતીયોની સામે અમેરિકા દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. 104 ભારતીયોને દેશનિકાલ કર્યા બાદ અમેરિકાએ હવે વધુ 487 ભારતીયોને પરત મોકલવાની તૈયારી કરી છે. જો કે આ દરમિયાન હવે ઓસ્ટ્રેલીયામાં પણ વસતા ભારતીયોની સામે કડક નિયમોના પાલનની ચર્ચા થઈ રહી છે. અહેવાલો અનુસાર ઓસ્ટ્રેલીયામાં રહેતા ભારતીયોના વિઝા રદ્દ પણ કરવામાં આવ્યા છે. જો કે આ બાબતે વિદેશમાં રહીને ભણતા વિદ્યાર્થીઓની ચિંતા વધારી છે.
આ પણ વાંચો: VIDEO : ટ્રમ્પે H1B વિઝાને લઈ શું કહ્યું? ભારતીયો પર શું થશે અસર
ઘણા વિદ્યાર્થીઓના વિઝા રદ
મળી રહેલા અહેવાલોના આધારે ઓસ્ટ્રેલિયામાં અભ્યાસ કરતા ભારતીય વિદ્યાર્થીઓ પર હવે કડક દેખરેખ રાખવામાં આવી રહી છે. સ્થાનિક વિદ્યાર્થી સંગઠનોના જણાવ્યા અનુસાર, નિર્ધારિત મર્યાદાથી વધુ કામ કરતા વિદ્યાર્થીઓ હવે અધિકારીઓના રડારમાં આવી ગયા છે. નિયમો અનુસાર, ભારતીય વિદ્યાર્થીઓને દર બે અઠવાડિયે 48 કલાકથી વધુ કામ કરવાની મંજૂરી નથી. વળી તાજેતરમાં જ ઘણા વિદ્યાર્થીઓના વિઝા રદ થયાના પણ અહેવાલો છે.
ટેક્સીનું 50થી 60 કલાકનું કામ
અધિકારીઓના જણાવ્યા અનુસાર ઘણા વિદ્યાર્થીઓ ટેક્સી ચલાવવામાં 50થી 60 કલાક કામ કરી રહ્યા છે અથવા ડિલિવરી બોય તરીકે કામ કરી રહ્યા છે, જે નિયમોની વિરુદ્ધ છે. વિદ્યાર્થીઓ માને છે કે કરિયાણાની દુકાનો, પેટ્રોલ પંપ વગેરે સ્થળોએ કામ કરવું કરવેરાના માળખા હેઠળ આવે છે, જ્યારે ટેક્સી અથવા ડિલિવરીનું કામ ઓસ્ટ્રેલિયન બિઝનેસ નંબર (ABN) હેઠળ આવે છે, જેને તેઓ સેલ્ફ એમ્પ્લોયડ માને છે. આ ભ્રમના કારણે ઘણા વિદ્યાર્થીઓ વધુ સમય કામ કરતા હતા અને હવે તેઓ મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. જો કે ઘણા વિદ્યાર્થીઓએ આ કારણે કામ અગાઉ જ બંધ કરી દીધું છે.
વિદ્યાર્થીઓને અપીલ
એવા પણ અહેવાલો છે કે ભારતીય સમુદાયના ઘણા સંગઠનો વિદ્યાર્થીઓને જાગૃત કરી રહ્યા છે અને તેમને નિયમોનું પાલન કરવાની સલાહ આપી રહ્યા છે. એક સંગઠનના અધિકારે જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓએ સમજવું જોઈએ કે અભ્યાસ પૂર્ણ કર્યા પછી તેમને કામ કરવાની પુષ્કળ તકો મળશે. ગ્રેજ્યુએટ થયા બાદ તેઓ કામચલાઉ નિવાસ વિઝા મેળવી શકે છે, જેનાથી તેઓ ચાર વર્ષ સુધી કાયદેસર રીતે કામ કરી શકે છે. તેથી, અભ્યાસ કરતી વખતે નિયમોનું ઉલ્લંઘન કરવાની કોઈ જરૂર નથી. તેમણે વિદ્યાર્થીઓને અઠવાડિયામાં માત્ર 20 કલાક કામ કરવાની અપીલ કરી જેથી ભવિષ્યમાં કોઈ સમસ્યા ન થાય.