સિલ્ક્યારા ટનલમાં ઓગર મશીન તૂટ્યું, વર્ટિકલ અને મેન્યુઅલ ડ્રિલિંગના વિકલ્પો પર વિચારણા
નવું મશીન: ઉત્તરકાશી જિલ્લામાં સિલ્કયારા ટનલમાં ફસાયેલા ૪૧ મજદૂરોને બચાવવા માટે હવે નવું મશીન લાવવામાં આવ્યું છે, જે ટનલમાં ઊભું ખોદકામ કરવામાં વાપરવામાં આવશે. (એજન્સી)
ઉત્તરકાશી: સિલ્ક્યારા ટનલમાં ફસાયેલા ૪૧ મજૂરોને બહાર કાઢવા માટે કાટમાળમાંથી ડ્રિલિંગ માટે રોકાયેલું ઓગર મશીન તૂટી જતા વર્ટિકલ અને મેન્યુઅલ ડ્રિલિંગ સહિતના અન્ય વિકલ્પો પર વિચારણા કરવામાં આવી રહી હોવાનું આંતરરાષ્ટ્રીય ટનલ નિષ્ણાંત આર્નોલ્ડ ડિક્સે જણાવ્યું હતું.
સિલ્ક્યારામાં ડિક્સે પત્રકારોને જણાવ્યું હતું કે, ઓજરિંગ સમાપ્ત થઇ ગયું છે. ઓગર તૂટી ગયું છે, નાશ પામ્યું છે. ફસાયેલા મજૂરો માટે એસ્કેપ પેસેજ તૈયાર કરવા માટે કાટમાળમાંથી ડ્રિલિંગ કરતી વખતે ઓગર મશીનને છેલ્લા કેટલાક દિવસોમાં વારંવાર અવરોધોનો સામનો કરવો પડ્યો હતો. જ્યારે વર્ટિકલ અને મેન્યુઅલ ડ્રિલિંગ જેવા
અન્ય વિકલ્પો વિશે પૂછવામાં આવ્યું ત્યારે ડિક્સે જણાવ્યું કે, તમામ વિકલ્પોની શોધ કરવામાં આવી રહી છે. તેમણે કહ્યું કે, અમે જે દરવાજો ખોલવાનો પ્રયાસ કરી રહ્યા છીએ તેના ફાયદા અને ગેરફાયદા છે. અમે પર્વત સાથે વ્યવહાર કરવા જઇ રહ્યા છીએ અને અમને ખબર નથી કે તે અમને કયા દરવાજા ખોલવા દેશે. અમે એડજસ્ટ કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ.
૧૦થી ૧૨ મીટરના બાકીના સ્ટ્રેચ માટે મેન્યુઅલ ડ્રિલિંગના વિકલ્પ પર વિચાર કરવામાં આવી રહ્યો હોવાનું એક અધિકારીએ જણાવ્યું હતું. જો કે મેન્યુઅલ ડ્રિલિંગ વધુ સમય લે છે. વર્ટિકલ એસ્કેપ પેસેજ બનાવવા માટે પણ પ્રયાસો કરવામાં આવી રહ્યા હોવાનું અધિકારીએ જણાવ્યું હતું.