ફ્લેટ, હીરા બોર્સમાં પાર્કિંગ, ફેક્ટરીઓ…: મેહુલ ચોક્સીની 13 સંપત્તિઓની હરાજીની પ્રક્રિયા શરૂ

નવી દિલ્હી: 23 હજાર કરોડના પીએનબી કૌભાંડના આરોપી મેહુલ ચોક્સીની 13 સંપતિની હરાજીની પ્રક્રિયા ટૂંક સમયમાં શરૂ થવાની છે. પીએમએલએ કોર્ટે 46 કરોડ રૂપિયાની સંપતિની કંપનીઓની હરાજીને મંજૂરી આપી દીધી છે. જેમાં બોરીવલીનો 2.6 કરોડનો એક ફ્લેટ, બીકેસીમાં ભારત ડાયમંડ બોર્સ અને કાર પાર્કિંગ સ્પેસ, ગોરેગાવની 6 ફેક્ટરી, ચાંદીની ઈંટો, કિંમતી રત્નો અને કંપનીના અનેક મશીનોનો સમાવેશ થાય છે.
વિશેષ જજ એવી ગુજરાતીએ કહ્યું કે, “જો આ સંપત્તિઓને આમને આમ પડી રહેવા દેવામાં આવે તો તેની કિંમત સતત ઘટતી જ જશે. તેથી, તેમને તાત્કાલિક નીલામ (હરાજી) કરવી જરૂરી છે.” જજે વધુમાં કહ્યું કે લિક્વિડેટરને ફરીથી પ્રોપર્ટીનું મૂલ્યાંકન કરાવવાનો અધિકાર છે. આ પછી સંપત્તિઓની હરાજી કરી શકાય છે. કોર્ટે કહ્યું કે લિક્વિડેટર આનાથી પ્રાપ્ત થતી રકમને જમા કરાવવા માટે ICICI બેન્કમાં ફિક્સ્ડ ડિપોઝિટ કરી શકે છે.
જણાવી દઈએ કે એનસીએલટી (NCLT) એ 7 ફેબ્રુઆરી 2024ના રોજ લિક્વિડેટરની નિમણૂક કરી હતી. આ પછી કોર્ટે નીરવ મોદી અને ચોક્સીની સંપત્તિઓની કિંમત નક્કી કરવાની મંજૂરી આપી હતી. હાલમાં નીરવ મોદી યુકેની જેલમાં છે અને ચોક્સી બેલ્જિયમની જેલમાં છે.
અધિકારીઓએ સોમવારે આ માહિતી આપી હતી કે મેહુલ ચોક્સીએ 17 ઓક્ટોબરે એન્ટવર્પની અપીલીય અદાલતના તે આદેશને બેલ્જિયમની સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે, જેમાં ભારતની પ્રત્યાર્પણ વિનંતીને ‘લાગુ કરવા યોગ્ય’ ગણાવવામાં આવી હતી. એન્ટવર્પ સ્થિત અપીલીય અદાલતના સરકારી અભિયોજકે કહ્યું કે ચોક્સીએ 30 ઓક્ટોબરે કોર્ટ ઓફ કેસેશનમાં અપીલ દાખલ કરી હતી.
આ પણ વાંચો…ભાગેડુ મેહુલ ચોક્સીને મુંબઈની જેલમાં તખતો તૈયાર, બેરેક નંબર 12ની તસવીરો જુઓ



