ટોપ ન્યૂઝનેશનલ

અતુલ સુભાષની પત્ની અને પરિવારજનો રાતોરાત ઘર છોડીને ભાગી ગયા

ઉત્તર પ્રદેશઃ અતુલ સુભાષની આત્મહત્યાએ આખા દેશને હચમચાવી નાખ્યો છે. સોશિયલ મીડિયા પર પણ એની જ ચર્ચાઓ થઇ રહી છે. પુરૂષોને પણ દિલ હોય છે, તેમને પણ દર્દ થાય છે, પણ કાનૂન હંમેશા મહિલાઓની જ ફેવર કરે છે, એવી ચર્ચાઓ પણ થઇ રહી છે.

દરમિયાન અતુલ સુભાષ મામલાની તપાસ માટે બેંગલુરુ પોલીસની એક ટીમ જૌનપુર પહોંચી છે. અતુલ સુભાષના સાસરિયાઓને આ વાતની જાણ થતાં જ તેઓ મોડી રાત્રે ઘરને તાળું મારીને ત્યાંથી ચાલ્યા ગયા હતા. આત્મહત્યા પહેલા બનાવેલા લગભગ દોઢ કલાક લાંબા વીડિયોમાં અતુલ સુભાષે તેની પત્ની અને સાસરિયાઓને આ માટે જવાબદાર ઠેરવ્યા છે. પોલીસ એ વિશે તપાસ કરવા માગે છે.

નિકિતા સિંઘાનિયાની માતા નિશા સિંઘાનિયા અને તેમના સાળા તેમના ઘરને તાળું મારીને રાતના અંધારામાં ભાગી ગયા હતા. આ દરમિયાન અતુલની સાસુ નિશા સિંઘાનિયા મીડિયાના પ્રશ્નોને ટાળી રહી હોવાનો એક વીડિયો પણ સામે આવ્યો છે. તે રિપોર્ટરના હાથ જોડી રહી છે, પરંતુ કોઈ પ્રશ્નનો જવાબ નથી આપી રહી અને પછી બાઇક પર જતી રહે છે.

અતુલની પત્ની નિકિતા સિંઘાનિયાની માતા અને ભાઈ જૌનપુર શહેર પોલીસ સ્ટેશનથી માત્ર 100 મીટર દૂર ખોવામંડીમાં રહે છે. તેમની અહીં કપડાંની દુકાન પણ છે. જ્યારે તેમને ખબર પડી કે બેંગલુરુ પોલીસની ટીમ જૌનપુર પહોંચી ગઈ છે, ત્યારે તેમણે ઘરેથી ભાગી જવાનું મુનાસિબ માન્યું હતું.

અગાઉ નિકિતાની માતાએ મીડિયા સાથે વાત કરતા કહ્યું હતું કે, તેમની પુત્રી અને પરિવાર પર લાગેલા તમામ આરોપો પાયાવિહોણા છે. “હું લોકો સામે બધા પુરાવા રજૂ કરીશ. અતુલ સુભાષે તેમની નિરાશા અમારા પર ઉતારી છે. મારી પુત્રી ક્યારેય કોઈને આત્મહત્યા કરવાનું કહી શકે નહીં.”

અતુલ સુભાષે પોતાના વીડિયોમાં જજ પર ઘણા ગંભીર આરોપ લગાવ્યા છે. આત્મહત્યા પહેલા બનાવેલા દોઢ કલાકના વીડિયોમાં અતુલે જૌનપુરના જજ પર હેરાનગતિ અને લાંચ માંગવાનો આરોપ લગાવ્યો હતો.

અતુલે કહ્યું હતું કે જજની કોર્ટમાં તારીખ મેળવવા માટે રજૂઆત કરનારને પણ લાંચ આપવી પડે છે. અતુલનો આરોપ છે કે પ્રિન્સિપલ ફેમિલી કોર્ટના જજે તેમના પર ત્રણ કરોડ રૂપિયા ભરણપોષણ ચૂકવવા માટે દબાણ પણ કર્યું હતું. તેમની પાસેથી 5 લાખ રૂપિયાની લાંચ પણ માંગવામાં આવી હતી. તેમણે કહ્યું હતું કે કોર્ટ ડિસેમ્બર સુધીમાં આ કેસનો ઉકેલ લાવશે.

વીડિયોમાં અતુલ સુભાષે એમ પણ કહ્યું હતું કે તેના મૃત્યુ બાદ તેની પત્ની અને તેના પરિવારને તેના મૃતદેહની નજીક પણ આવવા દેવા ન જોઈએ. અતુલે તેના પરિવારના સભ્યોને સંબોધીને કહ્યું હતું કે જ્યાં સુધી તેના પર કથિત રીતે અત્યાચાર ગુજારનારાઓને સજા ન કરવામાં આવે ત્યાં સુધી તેની રાખનું વિસર્જન ના કરવામાં આવે. ન્યાયની માગણી કરતાં તેણે તેના પરિવારને કહ્યું હતું કે જો તેને હેરાન કરનારાઓને સજા નહીં મળે તો તેની રાખ કોર્ટની બહાર ગટરમાં ફેંકી દેવામાં આવે.

Also Read – બેંગલુરુના એન્જિનિયર આત્મહત્યા કેસઃ કંગનાએ આપ્યું વિવાદાસ્પદ નિવેદન

અતુલ સુભાષે 9 ડિસેમ્બરે બેંગલુરુમાં પોતાના ઘરના બેડરૂમના પંખા સાથે લટકીને આત્મહત્યા કરી હતી. આત્મહત્યા વખતે તેણે જે ટીશર્ટ પહેરી હતી તેના પર ‘જસ્ટિસ ઇઝ ડ્યુ’ લખેલું હતું. આત્મહત્યા પહેલા બનાવેલા દોઢ કલાકના વીડિયો અને 24 પાનાના પત્રમાં અતુલે આત્મહત્યા માટે તેની પત્ની, સાસરિયાઓ અને ન્યાય તંત્રને જવાબદાર ગણાવ્યા હતા.

તેણે 2019 માં નિકિતા સિંઘાનિયા સાથે લગ્ન કર્યા હતા. કપલને એક બાળક પણ છે. લગ્નના બે વર્ષ બાદ પત્ની તેને છોડીને ચાલી ગઇ હતી. દીકરાને તે તેની સાથે લઇ ગઇ હતી. તેણે અતુલ વિરુદ્ધ દહેજ ઉત્પીડન, પિતાની હત્યા અને અકુદરતી યૌન શોષણ સહિત 9 કેસ દાખલ કર્યા હતા. અતુલનો આરોપ છે કે આ મામલાઓના સમાધાન માટે તેની પાસેથી 3 કરોડ રૂપિયાની માંગ કરવામાં આવી હતી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button