બેંગલૂરુઃ સોફ્ટવેર એન્જિનિયર અતુલ સુભાષની આત્મહત્યાનો મામલો હાલ દેશમાં ચર્ચાઇ રહ્યો છે. બેંગલુરુ પોલીસે અતુલ સુભાષ આત્મહત્યા કેસમાં પત્ની નિકિતાની ગુરુગ્રામથી ધરપકડ કરી છે. જ્યારે અતુલની સાસુ નિશા સિંઘાનિયા અને સાળા અનુરાગની ઉત્તર પ્રદેશના પ્રયાગરાજથી ધરપકડ કરવામાં આવી છે. પોલીસે તમામને કોર્ટમાં રજૂ કર્યા હતા જ્યાંથી તેમને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા છે.
ત્રણ આરોપીની ધરપકડ
અંગ્રેજી અખબારના અહેવાલ અનુસાર, એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું કે અતુલની પત્ની નિકિતા સિંઘાનિયાને હરિયાણાના ગુરુગ્રામમાંથી અને તેની માતા નિશા અને ભાઈ અનુરાગની આત્મહત્યા માટે દુષ્પ્રેરણાંના કેસમાં પ્રયાગરાજથી ધરપકડ કરવામાં આવી હતી. અન્ય એક પોલીસ અધિકારીએ પુષ્ટિ કરી હતી કે આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા અને ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યા હતા.
આરોપીઓ હતા ફરાર
ઉલ્લેખનીય છે કે અતુલ સુભાષ આત્મહત્યા કેસમાં ફરિયાદ નોંધાયા બાદ તેની સાસુ, સાળો અને પત્ની ફરાર થઈ ગયા હતા. અતુલ સુભાષે આત્મહત્યા કરતા પહેલા એક વિડિયો શેર કર્યો હતો અને તે બધા પર તેને માનસિક ત્રાસ આપતા હોવાનો આરોપ લગાવ્યો હતો. જ્યારે અતુલના સાસરિયા પક્ષ તરફથી આ તમામ આરોપો પાયાવિહોણા હોવાનું કહેવાય છે.
આ પણ વાંચો…સરકારે વધી રહેલા ભાવને અંકુશમાં રાખવા ઘઉંની સ્ટોક લિમિટ ઘટાડી
દાખલ કરી આગોતરા જામીનની અરજી
તે ઉપરાંત ધરપકડના ડરથી એન્જિનિયર અતુલ સુભાષની આત્મહત્યાના કેસમાં તેની પત્ની અને સાસરિયાઓએ અલ્હાબાદ હાઈકોર્ટમાં આગોતરા જામીન અરજી દાખલ કરી છે. સુભાષની પત્ની નિકિતા સિંઘાનિયા, તેની માતા નિશા સિંઘાનિયા, ભાઈ અનુરાગ સિંઘાનિયા અને કાકા સુશીલ સિંઘાનિયાએ આગોતરા જામીન અરજી દાખલ કરી છે.