નેશનલ

Atul Subhash case: એન્જિનિયર અતુલની પત્ની સામે FIR, પિતાએ દીકરાને ન્યાય અપાવવા પીએમ મોદીને કરી આજીજી; Video Viral

બેંગલૂરુઃ ભારતીય સમાજમાં માત્ર મહિલાઓ અને બાળકો પર જ અત્યાચાર થાય છે, એવું નથી. કંઇ કેટલાય એવા પુરૂષો હશે જેની પર ઘરેલું અત્યાચાર થયા હશે, પણ તેને ક્યાં તો લોકોએ અવગણ્યા છે અથવા તો આવા કિસ્સા બહુ સામે આવ્યા નથી. આવા અત્યાચારથી ત્રાસીને કંઇ કેટલાય યુવાનોએ જીવન ટૂંકાવ્યાની ઘટના બની છે. હાલમાં જ ટેક સિટી બેંગલૂરુમાંથી આવા જ સમાચાર જાણવા મળ્યા છે. અહીંના એક એન્જિનિયરે પત્નીના ત્રાસથી કંટાળીને આત્મહત્યા કરી લીધી છે. આત્મહત્યા કરતા પહેલા તેણે લાંબોલચક વીડિયો અને 24 પાનાની સ્યુસાઇડ નોટ પણ શેર કરી છે, જેમાં એણે તેની પ્રતાડનાની રજેરજની વિગત આપી છે. બેંગલૂરુમાં એન્જિનિયરની આત્મહત્યાના કિસ્સાએ સમગ્ર દેશમાં ખળભળાટ મચાવી દીધો છે. એન્જિનિયરના પરિવારે આ મામલે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અપીલ કરી છે.

આ આત્મહત્યા બાદ સોશિયલ મીડિયા પર પુરુષોના અધિકારોને લઈને ચર્ચા છેડાઈ ગઇ છે. મૃતક યુવકના પરિવારનું કહેવું છે કે ભારતમાં તમામ કાયદા માત્ર મહિલાઓ માટે જ બનેલા છે. અહીં પુરુષો માટે કોઈ કાયદો નથી. ઉલ્લેખનીય છે કે મૂળ યુપીના એન્જિનિયર અતુલ સુભાષે આત્મહત્યા કરી લીધી હતી. અતુલ સુભાષ બેંગલુરુ શહેરમાં મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા કંપનીમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI)માં DGM તરીકે કામ કરતા હતા. તેમણે 24 પાનાની સુસાઈડ નોટ છોડી છે અને 90 મિનિટના વીડિયોમાં પોતાનું દર્દ પણ વ્યક્ત કર્યું છે. સુભાષે તેની પત્ની અને તેના પરિવારના સભ્યો પર તેમને ખોટા આરોપમાં ફસાવીને હેરાન કરવાનો આરોપ લગાવ્યો છે.

મૃતકના પરિવારે શું જણાવ્યુંઃ-

મૃતક સુભાષ અતુલના પિતા પવન કુમારે પુત્રના મૃત્યુ પર નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું હતું કે અતુલ હતાશ હતો, પરંતુ તેણે ક્યારેય તેના પરિવારને તેના દુઃખ વિશે જણાવ્યું નથી. તેમણે કહ્યું કે અતુલની પત્નીએ તેના પર આરોપો લગાવ્યા છે. પવન કુમારે જણાવ્યું કે તેમના પુત્રએ કહ્યું હતું કે દેશની અદાલતો કાયદા પ્રમાણે કામ કરતી નથી. તેઓ સુપ્રીમ કોર્ટના નિયમોનું પણ પાલન કરતા નથી. તેણે ઓછામાં ઓછા 40 વખત બેંગલુરુથી જૌનપુર જવું પડ્યું. તેની પત્ની તેના પર એક પછી એક આરોપો લગાવી રહી હતી. આ બધાને કારણે તે ડિપ્રેશનનો શિકાર બની ગયો.

પિતાએ જણાવ્યું હતું કે તેમને કોઇને તો આ વિશે કંઇ ખબર જ નહોતી, પણ જ્યારે અતુલે ત્રે 1 વાગ્યે તેના નાના ભાઈને ઈમેલ મોકલ્યો ત્યારે પરિવારને ઘટનાની જાણ થઈ. તેણે લખ્યું હતું કે તેની પત્ની અને તેના પરિવારના સભ્યોએ તેના પર આરોપો લગાવ્યા છે. અમારો દીકરો કેટલા બધા ટેન્શનમાં હતો એની તો કોઇ કલ્પના પણ કરી શકે તેમ નથી. પવન કુમારના કહેવા પ્રમાણે, અતુલની પત્નીએ અમારા પર એવા એવા આરોપો લગાવ્યા હતા જેનો કોઈ તર્ક જ નથી. અમારા પુત્રએ તંત્ર સામે લાચારી અનુભવીને પોતાનો જીવ આપી દીધો. અમારે કોર્ટના ચક્કર લગાવવા પડ્યા. અતુલ ખૂબ જ ચિંતિત હતો કે અમારા પર (માતા-પિતા પર) શું વીતી રહ્યું છે. હવે અમારે આખી જિંદગી આ પીડા સાથે જ જીવવું પડશે.

અતુલના ભાઈ વિકાસે પણ પિતાની વાતોમાં સૂર મેળવતા કહ્યું હતું કે ભારતમાં માત્ર મહિલાઓની સતામણી વિરુદ્ધ જ કાયદા છે. પુરુષો માટે કોઈ કાયદો નથી. વિકાસે જણાવ્યું કે મારા ભાઈથી અલગ થયાના લગભગ આઠ મહિના પછી તેની પત્નીએ છૂટાછેડાનો કેસ દાખલ કર્યો. તેણે મારા ભાઈ અને સમગ્ર પરિવાર પર વિવિધ આક્ષેપો કર્યા. મારો ભાઈ આ બધું સહન કરતો રહ્યો અને લડતો રહ્યો, પણ અંતે તેણે હાર માની લીધી. વિકાસના કહેવા પ્રમાણે, તેણે તેની પત્ની માટે જે શક્ય હતું તે બધું જ કર્યું હતું. તેણે પોતાની સુસાઈડ નોટમાં પણ આ વાતનો ઉલ્લેખ કર્યો છે. જો મારા ભાઈએ ક્યારેય મને અથવા મારા પિતાને આ બાબતોનો ઉલ્લેખ કર્યો હોત, તો અમે તેને આ પરિસ્થિતિમાંથી બહાર આવવામાં મદદ કરી હોત.


Also read: બેંગલૂરુની લોકપ્રિય કૅફેમાં બૉમ્બધડાકો: નવ ઘાયલ


વિકાસ કુમારે જણાવ્યું હતું કે , ‘હું ભારત સરકાર અને રાષ્ટ્રપતિને વિનંતી કરવા માંગુ છું કે જો મારા ભાઈસાચો હોય તો તેને ન્યાય આપો. જો તે ખોટો હોય તો તે બતાવવા માટે મને પુરાવો આપો. મારા ભાઈની આત્મહત્યામાં જે ન્યાયાધીશનું નામ છે તેની સામે યોગ્ય તપાસ થવી જોઈએ.’ અતુલના ભાઈ વિકાસ કુમારની ફરિયાદના આધારે બેંગલુરુના મરાઠાહલ્લી પોલીસ સ્ટેશનમાં અતુલની પત્ની નિકિતા સિંઘાનિયા, તેની સાસુ નિશા સિંઘાનિયા, પત્નીના ભાઈ અનુરાગ સિંઘાનિયા અને તેની પત્નીના કાકા સુશીલ સિંઘાનિયા વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરવામાં આવી છે, જેમાં જણાવવામાં આવ્યું છે કે ચારેય આરોપીઓએ છૂટાછેડા પછી અતુલ સુભાષ વિરુદ્ધ ખોટો કેસ કર્યો હતો અને કેસના સમાધાન માટે 3 કરોડ રૂપિયા ચૂકવવાનો આગ્રહ કર્યો હતો. અતુલ સુભાષની પત્નીએ તેને તેના ચાર વર્ષના પુત્રને મળવા દેવા માટે 30 લાખ રૂપિયાની માંગણી કરી હતી. અતુલને માનસિક અને શારીરિક રીતે ત્રાસ આપવામાં આવતો હોવાથી તેણે આત્મહત્યા કરી લીધી હતી. હાલમાં ફરિયાદના આધારે કેસ નોંધવામાં આવ્યો છે અને તપાસ ચાલી રહી છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button