નેશનલસ્પેશિયલ ફિચર્સ

મર્દ કો ભી દર્દ હોતા હૈ, સ્યુસાઇડ કરનારા 10માંથી 7 પુરૂષ

બેંગલુરુની એક કંપનીમાં AI એન્જિનિયર તરીકે કામ કરતા અતુલ સુભાષ મોદીએ આત્મહત્યા કરી લીધી છે. આત્મહત્યા પહેલા તેમણે લગભગ 1 કલાક 20 મિનિટનો વીડિયો પોસ્ટ કર્યો છે અને 24 પાનાની સુસાઈડ નોટ પણ લખી છે. જેમાં તેમણે તેમની પત્ની નિકિતા સિંઘાનિયા અને તેના પરિવારને તેના મોત માટે જવાબદાર ગણાવ્યા છે. સુસાઈડ નોટમાં અતુલે જણાવ્યું છે કે નિકિતા અને તેના પરિવારના સભ્યોએ તેમની સામે ઘરેલુ હિંસા, હત્યાનો પ્રયાસ, દહેજ ઉત્પીડન સહિત 9 કેસ દાખલ કર્યા છે. 2019માં લગ્ન થયા ત્યારથી જ નિકિતા અને તેનો પરિવાર તેમની પાસે કોઈને કોઈ બહાને પૈસા માંગતો હતો. વીડિયોમાં અતુલ કહી રહ્યો છે કે મારે આત્મહત્યા કરવી જોઈએ કારણ કે હું જે પૈસા કમાઈ રહ્યો છું તેનાથી મારા દુશ્મનો વધુ મજબૂત થઈ રહ્યા છે. મારા ટેક્સમાંથી મળેલા પૈસાથી કોર્ટ અને પોલીસ તંત્ર મને, મારા પરિવારને અને સારા લોકોને હેરાન કરશે. તેથી મારે તેમની એ જડ જ તોડી નાખવી છે. આ કેસનો સાર એટલો છે કે અતુલ વિરુદ્ધ તેમની પત્ની અને સાસરિયાઓએ ખોટા કેસ કર્યા હતા, જેનાથી કંટાળીને, ત્રાસીને તેમણે સ્યુસાઇડનું પગલું ભર્યું હતું. જોકે, આત્મહત્યા જેવું પગલું ભરવામાં અતુલ સુભાષ એકલા નથી. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)ના જણાવ્યા મુજબ, વિશ્વભરમાં દર વર્ષે 7 લાખથી વધુ લોકો આત્મહત્યા કરે છે. આત્મહત્યા એ વિશ્વભરમાં મૃત્યુનું ત્રીજું મુખ્ય કારણ છે. ભારતમાં આત્મહત્યા કરનારા લોકોની સંખ્યા દર વર્ષે વધી રહી છે. અને આપણે એનસીઆરબીના ડેટા પર નજર કરીએ તો જાણવા મળે છે કે આત્મહત્યા કરનારા પુરુષોની સંખ્યા મહિલાઓ કરતા ઘણી વધારે છે. ભારતમાં થઇ રહેલી દર 10 આત્મહત્યામાંથી 6કે 7 પુરૂષ હોય છે.

2001 થી 2022 દરમિયાનના ડેટા પર નજર કરીએ તો દર વર્ષે આત્મહત્યા કરતી મહિલાઓની સંખ્યા 40 થી 48 હજારની વચ્ચે હતી. જ્યારે આ જ સમયગાળા દરમિયાન આત્મહત્યા કરનારા પુરુષોની સંખ્યા 66 હજારથી વધીને 1 લાખને પાર થઈ ગઈ હતી. જોકે, માત્ર ભારતમાં જ નહીં વિશ્વભરમાં મહિલાઓ કરતા પુરૂષો વધારે આત્મહત્યા કરે છે. WHO અનુસાર, વિશ્વમાં દર 1 લાખ પુરુષોમાંથી 12.6 આત્મહત્યા કરે છે. તે જ સમયે, દર એક લાખ મહિલાઓમાં આ દર 5.4 છે. રિપોર્ટમાં એમ પણ જણાવવામાં આવ્યું છે કે 30 થી 45 વર્ષની વયજૂથના લોકોમાં આત્મહત્યા પ્રમાણ વધારે છે. આ પછી, 18 થી 30 અને પછી 45 થી 60 વર્ષની વયના લોકોમાં આત્મહત્યાના વધુ કિસ્સાઓ જોવા મળે છે.

આત્મહત્યા કરવાના કારણો વિશે અભ્યાસ હાથ ધરવામાં આવ્યો હતો, જેમાં જાણવા મળ્યું હતું કે આત્મહત્યા કરવા પાછળ અલગ-અલગ કારણો હોય છે. હતાશા અને તણાવના કારણે આત્મહત્યા કરવાની વૃત્તિ વધી રહી છે. કેટલીકવાર તબીબી કારણ પણ હોય છે. આ સિવાય જ્યારે કોઈ વ્યક્તિ પાસે તેની સમસ્યામાંથી બહાર નીકળવાનો કોઈ રસ્તો નથી ત્યારે તે આત્મહત્યા પણ કરી લે છે. લોકો માંદગીની ત્રાસીને, કૌટુંબિક વિખવાદને કારણે કે લગ્ન સંબંધિત સમસ્યાઓના કારણે આત્મહત્યા કરે છે.

આ પણ વાંચો : Atul Subhash case: એન્જિનિયર અતુલની પત્ની સામે FIR, પિતાએ દીકરાને ન્યાય અપાવવા પીએમ મોદીને કરી આજીજી; Video Viral

એવું પણ સંશોધન કરવામાં આવ્યું હતું કે શા માટે મહિલાઓ કરતા આત્મહત્યા કરતા પુરૂષોનું પ્રમાણ વધારે છે. તેમાં જાણવા મળ્યું હતું કે સમાજમાં પુરુષોને મોટાભાગે શક્તિશાળી અને મજબૂત માનવામાં આવે છે અને તેના કારણે તેઓ પોતાની ડિપ્રેશન કે હતાશા, નિરાશાની લાગણીને અન્ય લોકો સાથે શેર કરી શકતા નથી અને અંતે તેઓ થાકીને આત્મહત્યા જેવું પગલું ભરે છે. આ ઉપરાંત પુરૂષોમાં ડ્રગ્સ અને નશાનું વ્યસન હોય છે, જે આત્મહત્યા તરફ પ્રેરે છે.

હવે આપણે વિચારીએ કે શું આત્મહત્યા એ ગુનો છે? તો એનો જવાબ છે ના, આત્મહત્યા એ ગુનો નથી. આત્મહત્યા એ એક ગંભીર માનસિક અને સામાજિક સમસ્યા છે. જો તમને પણ કોઈ સમસ્યા હોય તો તમારે મિત્રો અને સંબંધીઓ સાથે વાત કરવી જોઇએ અથવા તબીબી સલાહ લેવી જોઇએ. જો યોગ્ય સમયે યોગ્ય સલાહ લેવામાં આવે તો આત્મહત્યાના કિસ્સામાં ઘણો ઘટાડો થઇ શકે છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button