સુપ્રીમ કોર્ટમાં CJI પર જૂતું ફેંકવાનો પ્રયાસ; PM મોદીએ ગવઈ સાથે વાત કરી, કહ્યું-‘આઘાતજનક કૃત્ય’.

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટ પરિસરમાં એક અત્યંત સનસનાટીપૂર્ણ ઘટના બની હતી, જ્યાં એક વકીલે સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ (CJI) બી.આર. ગવઈ તરફ જૂતું ફેંકવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, કોર્ટની સુરક્ષા ટીમે તાત્કાલિક કાર્યવાહી કરીને આરોપી વકીલને પકડી લીધો હતો. આ ઘટના બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તરત જ CJI ગવઈ સાથે વાત કરી હતી અને આ કૃત્યને ‘શરમજનક’ અને ‘આઘાતજનક’ ગણાવ્યું હતું.
પીએમ મોદીએ વ્યક્ત કર્યો રોષ
વડાપ્રધાન મોદીએ X પર પોસ્ટ કરીને જણાવ્યું કે, “મેં ભારતના મુખ્ય ન્યાયાધીશ બી.આર. ગવઈ સાથે વાત કરી. આજે સુપ્રીમ કોર્ટ પરિસરમાં તેમના પર થયેલો હુમલો દરેક ભારતીયને ક્રોધિત કરી દે તેવો છે. આપણા સમાજમાં આવા નિંદનીય કૃત્યો માટે કોઈ સ્થાન નથી. આ અત્યંત શરમજનક છે.” વડાપ્રધાને આવી સ્થિતિમાં CJI ગવઈ દ્વારા દર્શાવવામાં આવેલી શાંતિ અને સંયમની પણ પ્રશંસા કરી હતી, અને કહ્યું હતું કે આ ન્યાયના મૂલ્યો અને આપણા બંધારણની ભાવના પ્રત્યે તેમની પ્રતિબદ્ધતા દર્શાવે છે.
શું છે સમગ્ર મામલો?
આ ઘટના CJI ગવઈની કોર્ટમાં સુનાવણી દરમિયાન બની હતી. રાકેશ કિશોર નામના એક વકીલે ડેસ્ક પાસે જઈને પોતાનું જૂતું કાઢીને CJI તરફ ફેંકવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, સુરક્ષાકર્મીઓએ સમયસર હસ્તક્ષેપ કરીને તેને પકડી પાડ્યો હતો. આરોપી વકીલ બહાર નીકળતી વખતે ‘સનાતનનું અપમાન સહન નહીં કરીએ’ તેમ કહેતો સાંભળવા મળ્યો હતો. અન્ય એક વકીલના જણાવ્યા મુજબ, હુમલો કરનારે જે વસ્તુ ફેંકી, તે લગભગ જસ્ટિસ વિનોદ ચંદ્રનને વાગતા-વાગતા બચી હતી. ત્યારબાદ તે વકીલે જસ્ટિસ ચંદ્રનની માફી માંગી હતી અને કહ્યું હતું કે તેનું નિશાન ચીફ જસ્ટિસ હતા.
CJI ગવઈએ સંયમ જાળવ્યો
સમગ્ર ઘટનાક્રમ દરમિયાન જસ્ટિસ ગવઈએ શાંતિ જાળવી રાખી હતી અને કોર્ટમાં સુનાવણી યથાવત ચાલુ રાખી હતી. તેમણે કોર્ટમાં હાજર અન્ય વકીલોને કહ્યું: “આ બધા પર ધ્યાન ન આપો. અમને ફરક પડતો નથી. આ વાતો મને અસર કરતી નથી.” જોકે, મામલાની ગંભીરતા જોતાં કોર્ટ પરિસરમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે. આ હુમલાની કોશિશ બાદ બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાએ તાત્કાલિક કાર્યવાહી કરીને હુમલાનો પ્રયાસ કરનાર વકીલ રાકેશ કિશોરનું લાઇસન્સ તાત્કાલિક અસરથી રદ્દ કરી દીધું હતું.
આ પણ વાંચો…CJI બીઆર ગવઈ પર જૂતું ફેંકવાનો પ્રયાસ: બાર કાઉન્સિલે વકીલનું લાઇસન્સ રદ્દ કર્યું…