કેનેડામાં હિન્દુ મંદિર પર થયેલા હુમલાની પીએમ મોદીએ કરી નિંદા, જસ્ટિન ટ્રુડોએ પણ કહી આ વાત
નવી દિલ્હીઃ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi) કેનેડામાં હિન્દુ મંદિરો (attack on hindu temples in Canada) પર થઈ રહેલા હુમલાની નિંદા કરી છે. તેમણે કહ્યું કે, હિન્દુ મંદિરો પર હુમલા સાંખી નહીં લેવાય. પીએમ મોદીએ તેમના સોશિયલ મીડિયા એક્સ પર પોસ્ટ કરીને લખ્યું, હું કેનેડામાં હિન્દુ મંદિર પર જાણી જોઈને કરવામાં આવેલા હુમલાની નિંદા કરું છું. અમારા રાજદૂતોને ડરાવવા-ધમકાવવાની કાયરતાપૂર્ણ કોશિશ પણ એટલી જ ભયાનક છે. હિંસાના આવા કૃત્ય ક્યારેય પણ ભારતના સંકલ્પને નબળા નહીં પાડી શકે. કેનેડા સરકારને આ મુદ્દે યોગ્ય કાર્યવાહી કરશે તેવી આશા રાખી રહ્યા છીએ.
આ પણ વાંચો: કેનેડાએ ભારતનું નામ દુશ્મન દેશોની યાદીમાં સામેલ કર્યું! ભારતે આપ્યો આવો જવાબ
સતત બીજા દિવસે ખાલીસ્તાની સમર્થકોએ કેનેડામાં હિન્દુ મંદિર પર હુમલા તેમજ મંદિરમાં હાજર હિન્દુઓને ઘાયલ કર્યા તેવા જ સમયે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આ પ્રતિક્રિયા સામે આવી છે. ઘટના બાદ પીડિતોએ આરોપ લગાવ્યો કે, બીજા દિવસે હુમલા દરમિયાન પોલીસ મંદિર પરિસર અને આસપાસના સ્થળે હાજર હતી પરંતુ તેમ છતાં હુમલા કરવામાં આવ્યા.
આ પણ વાંચો: કેનેડામાં રહેતા આ 20 ખૂંખાર ખાલિસ્તાની આતંકી પાકિસ્તાનના ઈશારે ભારતને કરે છે ટાર્ગેટ, જૂઓ લિસ્ટ…
ખાલિસ્તાનીઓએ કર્યો હંગામો
કેનેડાના બ્રેમ્પટન સ્થિત હિન્દુ સભા મંદિરમાં ખાલિસ્તાનીઓ દ્વારા હંગામો મચાવવામાં આવ્યો હતો. તેમણે મંદિર પરિસરમાં ઘૂસીને લોકોને ફટકાર્યા હતા. આ ઘટના બાદ ભારત અને કેનેડા વચ્ચેના સંબંધોમાં વધારે તણાવ આવવાની શક્યતા છે. ઘટના બાદ કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રૂડો પણ બેકફૂટ પર છે. તેમણે આ સમગ્ર ઘટના પર સત્તાવાર નિવેદન આપ્યું છે.
બ્રેમ્પન હિન્દુ મંદિર પર હુમલા પર કેનેડાના પ્રધાનમંત્રી જસ્ટિન ટ્રુડોએ કહ્યું કે, બ્રેમ્પટનમાં હિન્દુ સભા મંદિરમાં થયેલી હિંસાની ઘટના અસ્વીકાર્ય છે. ટ્રુડોએ કહ્યું, કેનેડામાં દરેક વ્યક્તિને તેના ધર્મનું સ્વતંત્ર અને સુરક્ષિત રીતે પાલન કરવાનો અધિકાર છે. જસ્ટિન ટ્રુડોએ આ ઘટનાની તપાસના તાત્કાલિક આદેશ આપવા અંગે સ્થાનિક પોલીસનો આભાર માન્યો હતો.