બંગાળમાં ઇડીની ટીમ પર હુમલો
કોલકાતા: કથિત રાશન કૌભાંડના સંબંધમાં ટીએમસી નેતાના ઘર પર દરોડા દરમિયાન એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી)ની ટીમ પર સેંકડો લોકોએ હુમલો કર્યો હતો.
આ હુમલો ત્યારે થયો જ્યારે એજન્સીના અધિકારીઓ ઉત્તર 24 પરગણામાં શુક્રવારે સવારથી બ્લોક-સ્તરના બે નેતાઓ શાહજહાં શેખ અને શંકર આધ્યા અને તેમના પરિવારના સભ્યોના ઘર પર દરોડા પાડી રહ્યા હતા. ઇડીની ટીમના એક સભ્યએ જણાવ્યું હતું કે જ્યારે અમે દરોડો પાડવા ત્યાં ગયા ત્યારે ટોળાએ અમારા પર હુમલો કર્યો હતો.
અત્યાર સુધી રાજ્યના ખાદ્ય પ્રધાન જ્યોતિ પ્રિયા મલિકની કથિત કૌભાંડના સંબંધમાં ધરપકડ કરવામાં આવી છે.
એક અહેવાલ અનુસાર ઇડીની ટીમે શાહજહાં શેખના ઘરમાં ઘૂસવાનો પ્રયાસ કર્યો ત્યારે સેંકડો પુરુષો અને મહિલાઓ સૂત્રોચ્ચાર કરતા સ્થળ પર એકઠા થઈ ગયા હતા અને પછી એમના પર હુમલો કર્યો હતો.
ટોળાએ માત્ર અધિકારીઓ પર જ હુમલો કર્યો નહીં પરંતુ તેમનાં વાહનમાં પણ તોડફોડ કરી હતી.
શેખ અથવા તેમના પરિવારના સભ્યો ત્યારે ઘરમાં હાજર હતા કે નહીં તે અંગે હજુ કોઈ માહિતી મળી નથી.
એક રહેવાસીએ જણાવ્યું હતું કે ઇડીનાં અધિકારીઓ પર હુમલો કરવામાં આવ્યો હતો અને એક વાહનને નુકસાન કરાયું હતું. મીડિયા પર પણ હુમલો કરવામાં આવ્યો હતો. ઇડીનાં અધિકારીઓએ સ્થળ પરથી ભાગી જવું પડ્યું હતું.
હુમલાને પગલે અધિકારીઓને ઓપરેશન છોડીને કોલકાતા પાછા ફરવાની ફરજ પડી હતી.
ભાજપના સાંસદ જગન્નાથ સરકારે પશ્ચિમ બંગાળમાં કટોકટી જાહેર કરવાની માગ કરતા કહ્યું કે રાજ્યમાં લોકશાહી વારંવાર નિષ્ફળ જઈ રહી છે. રાષ્ટ્ર વિરુદ્ધ કામ કરતી સંસ્થાઓ બૉમ્બ, પિસ્તોલ વગેરે સાથે શક્તિશાળી બની રહી છે તેથી, સરકારને હટાવવી અને રાજ્યમાં કટોકટી જાહેર કરવી મહત્ત્વપૂર્ણ છે. એકવાર તે થઈ જશે પછી બધું સુધરશે અને કોઈ ઇડીની ટીમ પર હુમલો કરવાની હિંમત કરશે નહીં.