નેવીનો યુનિફોર્મ પહેરી આવેલો શખ્સ અગ્નિવીર પાસેથી રાયફલ લઈ ફરારઃ ATS હાઈએલર્ટ

મુંબઈઃ મુંબઈમાં અનંત ચતુર્થીના રોજ 400 કિલો આરડીએક્સથી બ્લાસ્ટ થશે અને આતંકવાદી હુમલાઓ થશે તેવી ધમકી આપનારો ઝડપાયો ત્યાં બીજી એક ગંભીર ઘટના ઘટી છે. આ ઘટના 6 સપ્ટેમ્બરના રોજ ઘટી છે, ત્યારબાદ એન્ટિ ટેરરિસ્ટ સ્કવૉડ સતર્ક થઈ ગયું છે.
અહેવાલો અનુસાર નેવીનગરમાં ડ્યૂટી પર તહેનાત એક અગ્નિવીર પાસેથી એક અજાણી વ્યક્તિ રાયફલ અને કારતૂસ લઈ ફરાર થઈ ગઈ હતી. આ શખ્સ નેવી ઓફિસરના યુનિફોર્મમાં આવ્યો હતો. તેણે ડ્યૂટી પર રહેલા અગ્નિવીરને જણાવ્યું હતું કે તારી ડ્યૂટી પૂરી થઈ છે. તું આરામ કર અને તેણે અગ્નિવીરના હાથમાંથી રાયફલ લઈ લીધી. અગ્નિવીરને આવી કોઈ વ્યક્તિ વિશે કંઈ જાણકારી ન હતી, પરંતુ તે નેવીના યુનિફોર્મમાં હોવાથી તેણે કોઈપણ જાતનો શક થયો નહીં અને તેણે રાયફલ આપી, પણ થોડી જ મિનિટમાં આ શખ્સ ત્યાંથી ગાયબ થઈ જતા અગ્નિવીરને ભાન થયું અને તેણે પોતાના ઉપરી અધિકારીને આ જણાવ્યું.
આ ઘટના બાદ નેવી સહિત એટીએસ અને મુંબઈ પોલીસ સતર્ક થઈ ગયા છે. જ્યાં ઠેકાણે આ ઘટના ઘટી ત્યાં તુરંત જ સર્ચ ઑપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. જોકે હજુ આ પ્રકરણની પૂરતી માહિતી બહાર આવી નથી. કફ પરેડ પોલીસે ગુનો દાખલ કરી વિવિધ કલમો લગાવી છે.
નેવીએ આ પ્રકરણ માટે એક સમિતિ રચી છે. ઘુસણખોર તે જવાન સુધી કઈ રીતે પહોંચ્યો, તેની પાસે નેવીનો યુનિફોર્મ કઈ રીતે આવ્યો, સીસીટીવી ફૂટેજ અને બીજા ટેકનિકલ સાધનોની મદદથી તપાસ શરૂ કરવામાં આવી છે. અનેક ગંભીર પ્રશ્નો છે. તે વ્યક્તિ વિશે કે આ સમગ્ર ઘટના વિશે સ્તતાવાર કોઈ માહિતી બહાર આવી નથી, પરંતુ સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર મુંબઈ પોલીસ સહિતની તમામ તપાસ એજન્સીઓએ શહેરમાં બંદોબસ્ત વધારી દીધો છે.
આપણ વાંચો: પાંચ દિવસ કામ કરીને જ્વેલર્સની દુકાન ‘સાફ’ કરનારો નોકર પકડાયો